એક સદી કરતાં પણ વધારે સમયથી લોકોની જણસ સાચવતી સુરતની ‘મિસ્ત્રી જે.ભગવાન એન્ડ કું.’

સામાન્ય રીતે એવું કહેવાય છે કે કોઈપણ બિઝનેસ એમ્પાયર ત્રીજી કે ચોઢી પેઢીએ તૂટી પડે છે પરંતુ સુરતમાં (Surat) ‘ મિસ્ત્રી જે.ભગવાન એન્ડ કંપની’ (Mistry J Bhagvan And Co.) એક સદી કરતાં પણ વધારે સમયથી ચાલે છે અને હાલમાં આ પેઢીને ચોથી પેઢીના વારસદાર સંભાળી રહ્યાાં છે. મૂળ તો મહેસાણા જિલ્લાના ચાણસ્માના વતની અને તિજોરી બનાવવામાં કુશળ જેઠાલાલ થોભણદાસ પંચાલ ત્રણ ચોપડી જ ભણીને નોકરી કરવા માટે મુંબઈ જતા રહ્યાાં હતા. ત્યાં તેમની મિત્રતા પંચાલ ભગવાનદાસ નથુરામ સાથે થઈ. બંનેએ ભેગા થઈને સુરતમાં નિવાસ કર્યો અને પેઢી શરૂ કરી તે ‘મિસ્ત્રી જે.ભગવાન એન્ડ કંપની’. ચાવી અને લોક બનાવવામાં બંને હોશિયાર અ્ને તેને કારણે બંનેની પેઢી જામી ગઈ. સને 1945માં વસંતપંચમીના દિવસે બંને ભાગીદારો (Partners) છૂટા પડ્યા અને ત્યારથી જેઠાલાલ થોભણદાસ પંચાલે પેઢી ચાલુ રાખી. 1953માં જેઠાલાલનો સ્વર્ગવાસ થતાં પેઢી ચલાવવાની જવાબદારી ગોવિંદલાલના શિરે આવી ગઈ. ગોવિંદલાલે પેઢીને આગળ વધારીને અને આજે સુરતમાં લાલ દરવાજા, સિનેમા રોડ, મેઘાણી ટાવર પાસે આ પેઢી ધમધમી રહી છે. 105 વર્ષથી સમગ્ર દ.ગુ.ને તિજોરી અને કબાટની સાથે હવે સ્ટીલ ફર્નિચર પુરૂં પાડતાં ‘ મિસ્ત્રી જે.ભગવાન એન્ડ કંપની’ના પંચાલ પરિવાર સાથે આ વખતે ‘પેઢીનામા’માં મુલાકાત કરીશું.

  • વંશવેલો
  • જેઠાલાલ થોભણદાસ પંચાલ અને મિત્ર ભગવાનદાસ નથુરામ પંચાલ
  • ગોવિંદભાઈ જેઠાલાલ પંચાલ (તિજોરીવાલા0
  • વિજયભાઈ ગોવિંદભાઈ પંચાલ
  • અજયભાઈ ગોવિંદભાઈ પંચાલ
  • દેવલ વિજયભાઈ પંચાલ
  • આદિત્ય અજયભાઈ પંચાલ

સદી પહેલા પેઢી શરૂ કરી ત્યારે તિજોરીની કિંમત 700થી 800 રૂપિયા હતી, હાલમાં કિંમત 45 હજારથી માંડીને દોઢ લાખ છે: ગોવિંદભાઈ પંચાલ
ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે તેમના પિતા દ્વારા પેઢી શરૂ કરવામાં આવી ત્યારે તિજોરીની કિંમત 700 રૂપિયાથી માંડીને 800 રૂપિયા હતી. તે સમયે સાદી તિજોરી બનતી હતી પરંતુ હવે તિજોરીના મિકેનિઝમમાં અનેક આધુનિક ફેરફાર આવી ગયા છે. જેને કારણે તિજોરી મોંઘી બની રહી છે. હાલમાં સામાન્ય રીતે 45 હજારથી શરૂ કરીને દોઢ લાખ સુધી છે. ગ્રાહક માંગે તો વધુ મોંઘી તિજોરી અને કબાટ પણ બનાવી આપીએ છીએ.

ચોર ચોરી કરવા જાય તો તેનો હાથ ફસાઈ જાય તેવી તિજોરી પણ બનાવી હતી
જયેશભાઈ પંચાલે કહ્યું હતું કે, ભૂતકાળમાં મારા દાદાએ એવી તિજોરી પણ બનાવી હતી કે જો ચોર ચોરી કરવા જાય તો તેનો હાથ જ ફસાઈ જાય. આવી તિજોરી તે સમયે ગ્રાહકોને ખૂબ પસંદ આવી હતી અને તેની વધારે માંગ પણ રહેતી હતી.

સને 1923માં કરાંચીના એસો. અને 1928માં બરોડાના એસો. દ્વારા આયોજીત એક્ઝિબિશનમાં પણ ભાગ લઈ સર્ટિફિકેટ મેળવ્યા હતા
ગોવિંદભાઈ પંચાલે જણાવ્યું હતું કે, તેમના પિતા અને કાકા દ્વારા આઝાદી પહેલા 1923માં સુરતમાં લંબેહનુમાન રોડ પર કરાંચીના ધ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રિઝ એન્ડ ટ્રેડ ડેવલપિંગ સીન્ડિકેટ લિમિટેડ દ્વારા આયોજીત અને ત્યારબાદ સને 1928માં ધ નેશનલ આર્ટ એક્ઝિબિશન એન્ડ કં. લિ. દ્વારા આયોજીત ધ ઓલ ઈન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ દ્વારા આયોજીત એક્ઝિબિશનમાં ભાગ લેવામાં આવ્યો હતો. આ સમયે તેમને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. બરોડાની સંસ્થાના ઉપક્રમે તે સમયે વડોદરાના રાજા ગાયકવાડ દ્વારા સર્ટિફિકેટ અપાયા હતા. કરાંચી શહેર દ્વારા સુરતમાં ભરાયેલા આ પ્રદર્શનમાં તિજોરીની કળા-કારીગરી જોઈને તે સમયે સરકાર દ્વારા ‘સુવર્ણચંદ્રક’ પણ આપવામાં આવ્યો હતો.

સિંગાપોર, જાપાન અને યુરોપના પ્રવાસ કરીને મેં અદ્યતન ટેકનોલોજી શીખી: ગોવિંદભાઈ પંચાલ
મારા પિતાજીની પેઢીને આગળ લઈ જવા માટે મેં સને 1970માં જાપાનનો પ્રવાસ કર્યો હતો. ત્યાંથી આધુનિક ટેકનોલોજી શીખીને આવ્યા. બાદમાં 1999 અને 2005માં યુરોપ તેમજ સિંગાપોરનો પ્રવાસ ખેડ્યો અને ત્યાંથી તિજોરી તેમજ કબાટ બનાવવાની અદ્યતન ટેકનોલોજી શીખી અને બાદમાં સુરતમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તિજોરી તેમજ કબાટ બનાવ્યા. જે ગ્રાહકોને ખુબ ગમ્યા હતા.

ભલે આર્કિટેકચર ભણ્યો છું પરંતુ હું પેઢી ચાલુ રાખીશ અને તેને હજુ આધુનિક બનાવીશ: દેવલ પંચાલ
પેઢીના ચોથી પેઢીના વારસદાર દેવલ પંચાલે જણાવ્યું હતું કે, હું આર્કિટેક્ટ ભણ્યો છું. પરંતુ જે રીતે મારા વડવાઓએ પેઢી ચલાવી તેવી જ રીતે હું પણ પેઢી ચલાવીશ. આર્કિટેક્ચરનો ઉપયોગ સ્ટીલ ફર્નિચરમાં કરીને મોડ્યુલર ફર્નિચર બનાવીશ.

પહેલા અમારી ફાયરપ્રુફ તિજોરી અને કબાટ હોંગકોંગ, બેંગકોક, રંગુન, એડન, આફ્રિકામાં એક્સપોર્ટ થતી હતી, આજે પણ દેશમાં અનેક ઠેકાણે જાય છે
ગોવિંદભાઈ, જયેશભાઈ અને દેવલભાઈએ જણાવ્યું હતું કે, તેમની પેઢી દ્વારા તૈયાર કરવામાં આવતી ફાયરપ્રુફ તિજોરી તેમજ કબાટ ભૂતકાળમાં હોંગકોંગ, બેંગકોક, રંગુન, આફ્રિકા, જાવા-સુમાત્રા સુધી નિકાસ કરવામાં આવતી હતી. ત્યાંના ગ્રાહકો અહીંયા આવીને તિજોરી લઈ જતાં હતાં. હાલમાં પણ આખા દક્ષિણ ગુજરાતની સાથે સાથે બેંગ્લોર, ચેન્નાઈ, નાગપુર, સોલાપુર સહિતના શહેરોમાં અમારી તિજોરી અને કબાટ જાય છે.

Most Popular

To Top