SURAT

મેટ્રો અને ડ્રીમ સિટી પ્રોજેક્ટ માટે સુરતના કાંઠા વિસ્તારના ખેડૂતોની જમીનમાં ખૂંટા મરાઈ ગયા

સુરત: (Surat) સુરતના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો અને ડ્રીમ સિટીની (Dream City) કામગીરી પુરજોશમાં ચાલુ છે. તો બીજી બાજુ ખજોદ અને આજુબાજુનાં ગામોના ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટના કારણે કપાતમાં જતી હોવાથી તેમને બદલામાં જે જમીન આપવા નક્કી કરાયું છે તેની સામે ખેડૂતોને (Farmers) અસંતોષ હોવાથી કાંઠા વિસ્તારમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે. ત્યારે ખજોદ ગામના ખેડૂતોની ૫૦૦ વીઘાં જેટલી પાંજરું ભાટલી અને ડભારિયાના ગામની ખેતીલાયક જમીનની બદલીમાં મીંઢોળા નદી પાસે બિનઉપજાઉ જમીન સામે અદલાબદલી કરવાની તેમજ ખેડૂતોની પૂર્વ મંજૂરી વિના મેટ્રો ટ્રેનના ખૂંટા (Piles) મારવા બાબતે ખેડૂતોનો મેટ્રો રેલ પ્રોજેક્ટ અને ડ્રીમ સિટી પ્રોજેક્ટ સામે રોષની લાગણી જોવા મળી રહી છે.

  • મેટ્રો અને ડ્રીમ સિટી પ્રોજેક્ટ માટે કાંઠા વિસ્તારના ખેડૂતોની જમીનમાં ખૂંટા મરાતાં વિરોધનો માહોલ
  • ખજોદ ગામ ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની એક મીટિંગ મળી

આ મુદ્દે સાંઇ યુવકમંડળ ટ્રસ્ટ-ખજોદ દ્વારા રવિવારે ખજોદ ગામ ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની એક મીટિંગ મળી હતી. આ મીટિંગમાં મેટ્રોરેલ પ્રોજેક્ટ અને ડ્રીમ સિટી પ્રોજેક્ટ સામે આકરો રોષ વ્યક્ત કરાયો હતો. મેટ્રો રેલના સંચાલકોએ ખજોદ ગામના ખાનગી ખેડૂતોની પૂર્વ મંજૂરી વિના ખેતરોમાં ડિમાર્કેશન કરી ખૂંટ મારી દીધાનો આક્ષેપ કરાયો હતો. તેમજ ખજોદના ખેડૂત અગ્રણી પ્રકાશ કોન્ટ્રાક્ટર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત કરેલી અરજીના જવાબમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના ચીફ એડમિનિસ્ટ્રેટીવ ઓફિસરે તેમના પત્ર નં.RTI/0101 તા.૧૬/૦૪/૨૦૨૨ પત્ર ક્રમાંક નં.૧૫૪થી એવું જણાવ્યું છે કે, મેટ્રો રેલ પ્રોજેક્ટ માટેની જમીન ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત હોવાથી જમીનની માંગણી ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસે કરવામાં આવી છે. જો કે, આ જમીનના માલિક ખેડૂતો છે અને ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ફક્ત ઝોન નક્કી કરવા અંગેની ઓથોરિટી ધરાવે છે. આમ છતાં સીધા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે જમીન મુદ્દે થઇ રહેલી વાટાઘાટો સામે ખેડૂતોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.

આથી નારાજ ખેડૂતોએ મેટ્રો રેલ પ્રોજેક્ટ તેમજ જમીન તબદીલી સામે ગુજરાત હાઇકોર્ટમાં ટૂંક સમયમાં જાહેર હિતની રીટ પિટિશન દાખલ કરવામાં આવશે એવું સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. અને ડ્રીમ સિટીને કોઈપણ સંજોગોમાં જમીન તબદિલી કરવા દઇશું નહીં તેમજ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં જમીનો આપીશું નહીં એવું આજની મીટિંગમાં સર્વાનુમતે નક્કી થયું છે.

Most Popular

To Top