સુરત: સુરત (Surat) શહેરમાં મેટ્રો રેલના (Metro Rail) પ્રથમ સરથાણાથી ડ્રીમ સિટીના કોરિડોર માટે સોઈલ ટેસ્ટિંગ અને પાઈલિંગની કામગીરી ચાલી રહી છે ત્યારે ભેંસાણથી સારોલીના બીજા કોરિડોર માટે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં બીજા કોરિડોર માટે ભેંસાણથી શરૂ કરીને એલપી સવાણી રોડ પર પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર સુધીમાં ચાર સ્થળે સોઈલ ટેસ્ટિંગ (Soil Testing) કરવામાં આવશે. અડાજણમાં મેટ્રો રેલ સ્ટારબજારની (Star Bazar) પાછળથી પસાર થશે. હાલમાં સ્ટારબજારની પાછળનો રસ્તો સાંકડો હોવાને કારણે મનપા દ્વારા ત્યાં લાઈનદોરી મુકવામાં આવી છે. આ રસ્તો હાલમાં 6 મીટરનો જ છે તેથી તેને મેટ્રો રેલ માટે પહોળો કરીને 24 મીટરનો કરવામાં આવશે. આ લાઈનદોરીમાં બે મિલકતો આવતી હોવાથી આ બે મિલકતોને દૂર કરવા માટે લાઈનદોરીની દરખાસ્ત મનપાની સ્થાયી સમિતી સમક્ષ કરવામાં આવી છે.
- સ્ટારબજારની પાછળનો રસ્તો હાલમાં 6 મીટરનો છે તેમાંથી 24 મીટરનો કરાશે
- રસ્તો પહોળો કરવામાં બે મિલકતો નડી રહી છે, જેથી બંનેના બાંધકામ દૂર કરવા માટે દરખાસ્ત મુકવામાં આવી
બીજા કોરિડોરમાં મેટ્રો રેલ ભેંસાણથી શરૂ કરીને પાલનપુર કેનાલથી થઈને એલપી સવાણી અને ત્યાંથી અડાજણ સ્ટારબજારથી ફંટાઈ જશે. ત્યાંથી બદ્રીનારાયણ મંદિરથી સામે અઠવા ચોપાટી પાસે મેટ્રો રેલ નીકળશે. ત્યાંથી મજુરાગેટ અને ત્યાંથી રિંગરોડ થઈને મેટ્રો રેલ સારોલી સુધી પહોંચશે. મેટ્રો રેલના બીજા કોરિડોર ભેંસાણથી સારોલીનો રૂટ 18.74 કિ.મીનો રૂટ છે. આ રૂટમાં મેટ્રો રેલ એલિવેટેડ દોડશે. જેમાં કુલ 18 સ્ટેશનો હશે. હાલમાં બીજો કોરિડોરના મેટ્રો રૂટના મેપનો સર્વે ચાલી રહ્યો છે.
અડાજણ સ્ટારબજારની પાછળનો રસ્તો 24 મીટરનો કરવામાં જે બે મિલકતો નડી રહી છે તેમાં ફાયનલ ટી.પી સ્કીમ નં. 31(અડાજણ) ફા. પ્લોટ નં. 36 પર લાઈનદોરીમાં આવતી 25 ચો.મી જગ્યાનું બાંધકામ તેમજ ફાયનલ ટી.પી સ્કીમ નં. 31(અડાજણ) ફા. પ્લોટ નં. 35 ની લાઈનદોરીમાં આવતી 53 ચો.મી જમીન પરનું બાંધકામનો સમાવેશ થાય છે. હાલમાં લાઈનદોરીની જે દરખાસ્ત મુકવામાં આવી છે તેમાં આ બંને બાંધકામો દૂર કરીને ખુલ્લી જમીનનો કબજો મનપાને સોંપી દેવામાં માટે મિલકતદારોને નોટિસ આપવામાં આવશે. જો મિલકતદારો દ્વારા મનપાને કબજો નહી આપવામાં આવે તો મનપા દ્વારા એકટ મુજબ બાંધકામ દુર કરશે જે માટેની દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી છે.