સુરત: (Surat) હાલમાં ડુમસમાં ટોચના ડાયમંડ ગ્રુપના બે હજાર માણસોના જમણવાર અને ભવ્ય જલસાનો વિડીયો પંદર દિવસ પહેલાં વાયરલ થયો હતો. ડાયમંડ હાઉસનાં મોટાં માથાં હોવાને કારણે અહી કોઇ કાર્યવાહી શહેર પોલીસે કરી ન હતી. હવે નાના પરિવારોને પોલીસ ટાર્ગેટ બનાવીને શૂરાતન બતાવી રહી છે. અડાજણમાં બે અલગ અલગ જગ્યાઓ મંજૂરી વગર લગ્ન (Marriage) કરી રહેલા પરિવારજનો સામે પોલીસે (Police) ફરિયાદ દાખલ કરી છે.
અડાજણ પોલીસને મળેલી બાતમીના આધારે અડાજણ સ્ટાર બજારના બીજા માળે દિલ સે રે રોસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ હોલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો મોં ઉપર માસ્ક વિના ફરી રહ્યા હતા. જ્યાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, લગ્નની મંજૂરી 50 માણસની મેળવેલી છે. પરંતુ લગ્નમાં વધારે માણસ બોલાવવામાં આવ્યા છે. જેના પગલે પોલીસે પરિવારના આગેવાન પ્રમોદભાઇ છગનભાઇ લાડ (રહે., પ્રેમજીનગર સોસાયટી, અડાજણ)ને તથા હોટલના મેનેજર અનુપમ નિરમલ સિન્હા (રહે.,ગાર્ડન વેલી રેસિડેન્સી, અડાજણ)ને પકડી પાડી તેઓની સામે એપડેમિક એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. બાદમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે અન્ય એક બનાવમાં લગ્નની મંજૂરી વગર અડાજણ નિશાલ આર્કેડના ત્રીજા માળે પ્રિવ્યા બેન્કવેટ હોલમાં રાખવામાં આવેલા લગ્નપ્રસંગમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં યુવક વિકી રાજકુમાર ગુમનાની મંજૂરી મેળવ્યા વગર જ તથા સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી 50થી વધુ માણસોને લગ્નમાં આમંત્રણ આપી બોલાવ્યા હતા. જેના પગલે પોલીસે વિકી ગુમાનાની તથા બેન્કેવેટ હોલના મેનેજર દેવેન્દ્ર હરી નિમકરની ધરપકડ કરી હતી.
કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનારા લગ્ન આયોજકો પાસેથી પાલિકાએ દંડ વસૂલ્યો
સુરત: પાલ સ્થિત સ્ટાર બજાર મોલમાં દિલ શેરે હોટલમાં પહેલા માળે બેન્કવેટ હોલમાં અને પાલ વોક-વે રોડ સ્થિત નિશલ આર્કેડમાં પ્રિવ્યા બેન્કવેટ હોલમાં ધામધૂમથી રવિવારે લગ્નપ્રસંગની ઉજવણી કરાઈ હતી. જેમાં મહેમાનોના મોં ઉપર ન તો માસ્ક કે ન તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાતું હતું. જેની પાલિકાના રાંદેર ઝોનને જાણ થઇ હતી. આથી ઝોનના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને જોયું તો કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવી પ્રસંગની ઉજવણી થઇ રહી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જ્યાં બેન્કવેટ હોલ ભાડે આપનારાઓને ઉધડો લીધો હતો. બાદમાં મહેમાનો ઘરે મોકલી માત્ર વર અને કન્યા પક્ષના ઘરના સભ્યોની હાજરીમાં જ પ્રસંગ સાદાઇથી પૂર્ણ કર્યો હતો. પ્રસંગ યોજનારા પાસેથી પાલિકાએ ચાંદલારૂપે દંડ પણ વસૂલ કર્યો હતો.