સુરત: માંગરોળ (Mangrol) તાલુકાના ભીલવાડા ગામના પાણી આમલી ફળિયામાં રાત્રિ દરમિયાન શિકારની શોધમાં આવેલો દીપડો (Leopard) ઝાડ ઉપર બાંધેલા તારમાં ફસાતા વન વિભાગની ટીમે ટ્રેક્યુલાઇઝ ગનથી દીપડાને બેભાન કરી રેસ્ક્યુ કર્યું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી ભીલવાડા ગામના પાણી આમલી ફળિયાના રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં દીપડો આવતો હતો અને મરઘા કુતરા નો શિકાર કરતો હતો. ગત રાત્રી દરમિયાન ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ મંગાભાઈ ગામીતના ઘર આંગણામાં આવેલ ઝાડ ઉપર બાંધેલા તારમાં શિકારની શોધમાં આવેલો દીપડો ફસાયો હતો મોડી રાત્રે દીપડાએ ત્રાડો પાડતા ઘરના સભ્યો જાગી ગયા હતા અને ત્યારબાદ વન વિભાગ વાંકલ રેન્જ કચેરીને ઘટના અંગેની જાણ ખેડૂત પરિવાર દ્વારા વાંકલ વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
વન વિભાગને જાણ કરાતા ઇન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક અનિલભાઈ પટેલ ફોરેસ્ટર પ્રીતિબેન ચૌધરી તેમજ વન કર્મચારીઓ હિતેશભાઈ માલી, ફિલીપભાઇ ગામીત, શર્મિલાબેન ચૌધરી, લેપર્ડ એમ્બેસેડર ટીમના કૌશલકુમાર મોદી, વન વિભાગ નેત્રંગ કચેરીના વન કર્મચારીઓ જતીનભાઈ ડાભી, અશ્વિનભાઈ બારીયા, રવિરાજસિંહ ગોહિલ, સહિતની ટીમે વહેલી સવારે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઝાડ ઉપર બાંધેલા તારમાં ફસાયેલા દીપડાને ટ્રેક્યુલાઇઝ ગનથી બેભાન કરાયો હતો. ત્યારબાદ દીપડાને પાંજરામાં લઈ ઝંખવાવ ખાતે આવેલાં સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. દીપડો ફરી સ્વસ્થ થતાં તેને જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરવાની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી
ટ્રેંક્યુલાઇજ એટલે શું?
સામાન્ય રીતે ટ્રેંક્યુલાઇજ એટલે કોઇ વ્યક્તિ અથવા પ્રાણીને શાંત અથવા બેભાન કરવા માટે, ખાસ કરીને તેને દવા આપીને શાંત કરવામાં આવે છે. કોઇ મુશ્કેલીની પરિસ્થિતિમાં કોઇ વ્યક્તિ કે પ્રાણી પર કાબુ મેળવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને કોઇ જંગલી પ્રાણી પર નિયંત્રણ લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.