SURAT

સુરત: વેડરોડની યુવતીને ‘તું મને ગમે છે’ કહી યુવકે પરિવારને જાનથી મારવાની ધમકી આપી અને..

સુરત: (Surat) વેડરોડ ખાતે રહેતી યુવતીને તેનો જુનો મકાન માલિક (Landlord) પીછો કરીને તેની સાથે વાત કરવા બળજબરી કરતો હતો. યુવતીએ વાત નહીં કરતા મકાન માલિકે તેને અને તેના પરિવારને જાનથી મારવાની ધમકી આપતા કંટાળીને યુવતીએ ઉંઘની દવા ખાઈ આપઘાતનો (Suicide) પ્રયાસ કર્યો હતો.

  • ‘તું મને ગમે છે’ કહીને યુવતીનો પીછો કરી પરિવારને જાનથી મારવાની મકાન માલિકની ધમકી
  • મકાન માલિકના ત્રાસથી કંટાળીને યુવતીનો ઉંઘની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ
  • રૂપેશ વારંવાર મિતાલીને ફોન કરીને પરેશાન કરતો હતો

વેડરોડ ખાતે રહેતી અને રિલાયન્સ મોલમાં નોકરી કરતી 23 વર્ષીય મિતાલી (નામ બદલ્યું છે) એ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જુના મકાન માલિક રૂપેશ સિંઘ રાજપૂત (ઉ.વ.૩૫) સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ 6 વર્ષ પહેલા મિતાલી તેના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. તે મકાન માલિક રૂપેશ વારંવાર તેમના ઘરે આવતો હતો. એક વર્ષ પહેલા રૂપેશનું મકાન ખાલી કરીને તેઓ બીજે રહેવા ગયા હતા. રૂપેશ મેડીકલ દુકાન ચલાવે છે. મકાન ખાલી કરતા રૂપેશે મિતાલીના માતા-પિતાને પરત તેના મકાનમાં રહેવા આવવા કહ્યું હતું. પરંતુ તેના મકાનમાં આવવા ઇન્કાર કરતા રૂપેશે ગાળાગાળી કરી હતી.

બાદમાં રૂપેશ વારંવાર મિતાલીને ફોન કરીને પરેશાન કરતો હતો. રૂપેશ મિતાલીના ઘરે જઈને તુ મને ગમે છે તેમ કહીને પીછો કરતો હતો. મિતાલી કામ પર જાય ત્યાં તેની પાછળ જતો હતો. અને ઘર બહાર આવીને મારી સાથે વાત નહીં કરીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. રૂપેશથી કંટાળીને ગત 21 તારીખે મિતાલીએ ઉંઘની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. ચોક બજાર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

મિત્રની પત્નીના બિભત્સ ફોટા વાયરલ કરી ભાગેલો ઓરિસ્સાનો આરોપી સુરતથી ઝડપાયો
સુરત : મિત્રની પત્નીના ફોટા મોર્ફ કરીને તેમાં બિભત્સ લખાણ લખનાર આરોપી રણજીત પોલાઇને ક્રાઇમ બ્રાન્ચે પકડીને ઓરિસ્સાની ગંજામ પોલીસને સોંપ્યો હતો. આરોપી રણજીત ગતે પોલાઈ (ઉવ.૨૭ ધંધો વેપાર રહે. સચિન જીઆઈડીસી ખાતા નં. ૭૪૦૪૧ રોડ નં. ૭ લાઈન નં. ૭૩ કમલેશભાઈના ખાતામાં) કામ કરતો હોવાની સુરત પોલીસને બાતમી મળી હતી અને તે બે મહિનાથી ઓરિસ્સા પોલીસ ચોપડે વોન્ટેડ હતો. આ આરોપીને સુરત સચિન જીઆઈડીસીથી પકડી પાડવામાં આવ્યો હતો. ઓરીસ્સામાં કબીસુર્યાનગર પોલીસ સ્ટેશનમાં આવેલા આઠગઢ પટના ખાતે બીજાની સાથે નજીવી બાબતે ઝઘડો થતા તેની અદાવત રાખી આરોપીએ ફરીયાદીની પત્નીના ફોટા અન્ય વ્યક્તિ સાથેના જાતીય સબંધ ધરાવતા હોવાના બનાવી ફેસબુક તથા વોટ્સઅપ ઉપર અપલોડ કરી ઉડીયા ભાષામાં બિભત્સ ચેટીંગ કરી ફોન ઉપર ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો. જેને ક્રાઇમ બ્રાન્ચે પકડીને ઓરિસ્સાની ગંજામ પોલીસને સોંપ્યો હતો.

Most Popular

To Top