સુરત : (Surat) કતારગામમાં (Katargam) ગાંજાની (Cannabis) નાની નાની પડીકી બનાવીને વેચાણ કરતા યુવકને એસઓજીએ પકડી (Arrest) પાડ્યો હતો. આ યુવકનું ટૂંકુ નામ જ પોલીસ પાસે હતું તેમ છતાં પોલીસે સતત મોનિટરીંગ કરીને આરોપીને પકડી પાડ્યો હતો. આ યુવકે 10 દિવસ પહેલા જ 4.24 લાખની કિંમતના ગાંજો લાવવામાં સપડાયો હોવાનું પોલીસે કહ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા ૬ જાન્યુઆરીના રોડ ગોલવાડમાં પોલીસે રેડ પાડીને રૂા. 4 લાખની કિંમતનો ગાંજો પકડી પાડ્યો હતો. પોલીસે સુદર્શન શાહુની ધરપકડ કરી રાહુલ નામના યુવકને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ રાહુલે જ ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો, તેમજ રાહુલ કતારગામ જીઆઇડીસીમાં ગાંજાની નાની-નાની પડીકી બનાવીને વેચતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે કતારગામ જીઆઇડીસીમાં સતત પેટ્રોલિંગ કર્યું હતું. દરમિયાન રાહુલ નામનો એક યુવક કતારગામ જીઆઇડીસીના હીવ એન્ટરપ્રાઇઝના કારખાનાના પાર્કિંગમાં હોવાની માહિતી મળતા જ પોલીસે શંકાના આધારે આ રાહુલને પકડ્યો હતો અને તેની પુછપરછ કરતા તેને જ ગાંજોના માલ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રાહુલની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.
જ્વેલર્સમાં મહિલાને વીડિયોકોલમાં બતાવેલો સોનાનો પોચો લઈને યુવક ભાગ્યો
સુરત : સિંગણપોર પાસે આવેલી એક જ્વેલર્સમાં યુવકે જઈ હાથમાં પહેરવાનો સોનાનો પોચો મંગાવીને તે કોઇ મહિલાને વીડિયો કોલમાં બતાવ્યો હતો. બાદમાં યુવક આ પોચો લઇને ભાગવા જતાં જ્વેલર્સના માલિકે પીછો કરી બુમો પાડતાં લોકોએ જ પકડી પાડીને પોલીસના હવાલે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ડભોલી રોડ ગાયત્રી મંદર પાસે આવેલી સોસાયટીમાં રહેતા રાહુલ રમેશભાઈ હડીયલ (ઉ.વ.૨૫) ઘર નજીક આવેલ દેવીકુર્પા સોસાયટીમાં શ્રીહરી જવેલર્સનના નામે દુકાન ધરાવે છે. રાહુલભાઈ રવિવારના દિવસે તેમની દુકાને બેઠા હતા અને બપોરના સમયે એક યુવક તેમની પાસે આવ્યો હતો. સવારે પહેલા આ યુવકે કેટલોગ માંગીને દાગીના જોયા હતા, અને સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ફરીવાર તે આવ્યો હતો અને સોનાનો પોચો જોવા માટે માંગ્યો હતો. જ્વેલર્સે સોનાનો પોચો યુવકને આપ્યો હતો, ત્યારબાદ આ યુવકે વીડિયો કોલ મારફતે કોઇ મહિલાને સોનાનો પોચો બતાવ્યો હતો. તકનો લાભ લઇને આ યુવક ભાગવા ગયો હતો. ત્યાં રાહુલે પણ તેનો પીછો કરીને બુમો પાડતા લોકોએ જ યુવકને પકડી પાડ્યો હતો. પકડાયેલો યુવક વેડરોડ ઉપર સિધ્ધેશ્વર સોસાયટીમાં રહેતો દિપક ધુરાજસિંગ રાજપુત હતો. આ મામલે રાહુલભાઇએ સિંગણપોર પોલીસને જાણ કરતા પોલીસે દિપક રાજપૂતની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.