સુરત: (Surat) કાપોદ્રામાં રાજધાની બસમાં (Bus) લાગેલી આગ (Fire) દુર્ઘટનામાં પોલીસે ભાવનગરથી હાઇડ્રોક્લોરિક એસિડ મંગાવનાર વેપારીની ધરપકડ કરી હોવાની વિગતો મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ 20 દિવસ પહેલાં કાપોદ્રા પાસે રાજધાની બસમાં આગ લાગી હતી. આ આગ દુર્ઘટનામાં ભાવનગરમાં રહેતી તાનીયા નામની યુવતીનું દાઝી જવાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે તેના પતિ હજુ પણ સારવાર હેઠળ છે. જ્વલનશીલ પ્રદાર્થ લઇ જવાનો પ્રતિબંધ હોવા છતાં પણ બસમાં સુરતથી ભાવનગર એસિડ અને સેનિટરાઇઝ સહિતનો સામાન લઇ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ આવતાં પોલીસે બસના માલિક, ડ્રાઇવર, એસિડ મોકલનાર અને મંગાવનારાઓની સામે સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ કરી હતી. થોડા દિવસ પહેલાં જ કાપોદ્રા પોલીસે બસના ડ્રાઇવર સહિત ત્રણની ધરપકડ કરી હતી. ત્યાં હવે પોલીસે ભાવનગરથી પેરાલીક અને હાઇડ્રોક્લોરિક એસિડ મંગાવનાર લવજી રામજી મોરડિયા (રહે.,ડાયમંડ પ્રોસેસ, ભાયાણીની વાડી, ગઢેચી, ભાવનગર)ની ધરપકડ કરી હતી. જણાવી દઈએ કે કાપોદ્રા પોલીસ દ્વારા એફએસએલનો રિપોર્ટ આવતાં હજુ પણ બે-ત્રણ દિવસની રાહ જોવી પડશે.
જણાવી દઈએ કે આ ઘટનામાં આ પહેલા કાપોદ્રા પોલીસ દ્વારા ડ્રાઇવર (Driver), કંડકટર (Conductor) સહિત 5 આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થઈ ચુક્યો છે. જેઓની સામે ગુનો નોંધાયો તેમાં રાજધાની ટ્રાવેલ્સના મહેતાજી, બસના ડ્રાઇવર, કંડકટર અને હીરા ચમકાવવા માટેનું એસિડ મોકલનાર અને મંગાવનારનો સમાવેશ થાય છે. આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં કતારગામ નંદુ ડોશીની વાડીમાંથી બસના સોફા નીચે હીરા સાફ કરવા માટે વપરાતા EMPLURA Hydrochloric એસિડની 4 બોટલ, Perchlorc એસિડની 8 બોટલ મુકતા એને લીધે બસમાં બ્લાસ્ટ થયો હતો. રાજધાની ટ્રાવેલ્સની ઓફિસના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા જેમાં એક મજુર ઝવેરભાઇ રાજાભાઇ બાંભણીયા તથા કન્ડકટર નાનજીભાઇ અરજણભાઇ કારેલીયા, બસના ડ્રાઇવર ઇરષાદભાઇ નુરાભાઇ મેહતાર પાર્સલો બસની ડીકી તથા બસની અંદર સોફા નીચે એસિડના પાર્સલ મુકતા જણાયા હતા.
પાર્સલ કતારગામના સચીન ગગજીભાઇ કળથીયાએ મોકલ્યા હતાં. જેમાં હીરા સાફ કરવા માટે વપરાતું એસિડ, જેમાં EMPLURA Hydrochloric acid 35 % ની કાચની બોટલ નંગ 4 તથા Rebal Max-De કંપનીનું Perchlorc acid 70 % ની કાચની બોટલ નંગ 8 એક પુંઠાના બોકસમાં પેક કરી ભાવનગર ખાતે રહેતા પોતાના ગ્રાહક લવજીભાઇ રામજીભાઇ મોરડીયાને મોકલ્યા હતા. બસના મહેતાજી પણ આ હકીકતથી વાકેફ હતા. હવે આ કેસમાં પોલીસે ભાવનગરથી પેરાલીક અને હાઇડ્રોક્લોરિક એસિડ મંગાવનાર લવજી રામજી મોરડિયાની ધરપકડ કરી છે.