સુરત: (Surat) સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા ISI એજન્ટ સાથે સાંઠગાંઠ ધરાવનાર સુરત ખાતે રહેતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના (Police) જણાવ્યા અનુસાર આ વ્યક્તિ પાકિસ્તાની જાસૂસી એજન્સી ISI (આઈએસઆઈ) ને ગુપ્ત માહિતી આપતો હતો. તેના બદલે તેણે કેટલીક રકમ પણ મેળવી હતી. જાણવા મળ્યા મુજબ આ વ્યક્તિ ભારતીય આર્મીની મુવમેન્ટ, તોપખાનાની માહિતી, ફોટાઓ વગેરે પાકિસ્તાનની (Pakistan) વ્યક્તિને મોકલી રહ્યો હતો.
ઘટના અંગે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે દીપક સાળુંકે નામનો 32 વર્ષીય વ્યક્તિ સુરતના ડિંડોલી યોગેશ્વર પાર્કનો રહેવાસી છે. જેની વિરૂદ્ધ રાષ્ટ્ર વિરૂદ્ધમાં કાવતરૂં કરી રાષ્ટ્રદોહી કામગીરી કરવા બદલ 121-એ અને 120-બી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ આ વ્યક્તિ પાકિસ્તાનના શખ્સ હમીદ સાથે સંપર્ક ધરાવતો હતો. પાકિસ્તાનનો હમીદ નામક વ્યક્તિ પૂનમ શર્માના નામથી ભારતીય ફેસબુક એકાઉન્ટ ધરાવતો હતો. તેની સાથે સંપર્કના આધારે ધીમે ધીમે પુનમ શર્માના અકાઉન્ટથી થયેલ ચેટિંગમાંથી જાણવા મળ્યું હતું કે તે દીપક પાસેથી સંવેદનશીલ માહિતી મેળવી રહ્યો હતો. તેણે દીપકને જણાવ્યું હતું કે હું આઈએસઆઈ માટે કામ કરુ છું. તમે ભારતના સીમકાર્ડ મેળવી અમને મોકલી આપો. ભારતીય આર્મીની મુવમેન્ટ, તોપખાનાની માહિતી વગેરે ગુપ્ત માહિતી આપશો તો આર્થિક લાભ મળશે.
પોલીસે જણાવ્યું કે દીપક સાળુંકેએ કુલ 75 હજાર 856 જેટલી રકમનો આર્થિક લાભ મેળવ્યો હતો. જોકે તેણે કયા ફોટોગ્રાફ અને કયા સ્થળ અંગેની વિગતો મોકલી છે તેની તપાસ પોલીસ કરી રહી છે. જોકે પ્રાથમિક પૂછપરછમાં દીપકે જણાવ્યું હતું કે તેણે આ ફોટાઓ યૂ ટ્યૂબ અને ગુગલ પરથી મેળવેલા હતા. પોલીસ કમિશનરે જણાવ્યું કે આ તેના કહ્યા પ્રમાણેની વાત છે. પોલીસ પોતાની રીતે તપાસ કરશે. પોલીસે દીપકની ધરપકડ કરી છે. તેના રિમાન્ડ મેળવી પોલીસ સંપૂર્ણ ટ્રાન્ઝેક્શન અંગેની માહિતી મેળવશે.