Surat Main

હિજાબ વિવાદ સુરતમાં દેખાયો : હીરાબાગની સ્કૂલમાં 5 વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરી ગઈ અને બબાલ થઈ

સુરત: છેલ્લાં 20 દિવસથી કર્ણાટકમાં ચાલી રહેલો હિજાબ વિવાદ હવે સુરત સુધી લંબાયો છે. આજે વરાછાના હીરાબાગ પાસે આવેલી વિદ્યાભવનમાં કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓ બુરખો અને હીજાબ પહેરીને આવતા તેમનો વિરોધ કરાયો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હીરાબાગ ખાતે આવેલી પીપીસવાણી વિદ્યાભવનમાં આજે સવારે 5 મુસ્લિમ વિદ્યાર્થીનીઓ બુરખો અને હીજાબ પહેરીને આવી હતી, જેનો કેટલાંક વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાયો હતો, તેથી મામલો તંગ બન્યો હતો. આ વાતની જાણ થતાં સ્કૂલ પર વીએચપી અને બજરંગ દળના કાર્યકરો દોડી ગયા હતા અને હીજાબ પહેરી કોલેજ-સ્કૂલમાં નહીં પ્રવેશવા દેવાશે તેવો વિરોધ કરાયો હતો. આ મામલો થોડા સમય માટે ચાલ્યો હતો, વાત વણસતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી. પોલીસે વીએચપીના કમલેશ ક્યારા અને નિલેશ અકબરીની અટકાયત કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા છે.

ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં કર્ણાટકની કોલેજમાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીઓના મામલે વિવાદ થયો હતો, જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામલે બે દિવસ પહેલાં બજરંગ દળના એક કાર્યકરની હત્યા થયા બાદ દેશભરમાં બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો વિફર્યા છે. તેની આગ સુરત સુધી પહોંચી છે.

તમને જણાવી દઈએકે થોડા દિવસ પહેલાં સુરત ખાતે એઆઈએમઆઈએમ (AIMIM) પાર્ટીના સમર્થકો દ્વારા શહેરમાં શનિવારે બપોરે ત્રણ કલાકે હિજાબના (Hijab) સમર્થનમાં રેલીનું (Rally) આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ (Police) દ્વારા રેલીને પરવાનગી આપવામાં આવી નહોતી અને રેલી કરવા દેવાઈ નહોતી. સુરત ખાતે એક હિજાબના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસ દ્વારા આ સંવેદનશીલ મુદ્દે રેલી યોજાય તે પૂર્વે જ રેલીના આયોજકોને નજર કેદ કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા આઈપી મિશન સ્કૂલથી ચૌક બજાર સુધી હિજાબ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ રેલીના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ આવે તેવી આશંકા હોવાને કારણે તકેદારીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા આઈપી મિશન સ્કૂલ અને આસપાસના વિસ્તારમાં સઘન બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જોકે રેલી શરૂ કરાય તે પહેલા જ રેલી કાઢનાર કેટલાકની પોલીસે અટકાયત કરી હતી. દરમ્યાન રેલીના આયોજનકર્તાઓએ સોશિયલ મીડિયામાં રેલી મોકૂફ રખાઈ હોવાનાં સંદેશ વહેતા કર્યા હતા. હવે હિજાબ મામલે વીએચપી અને બજરંગ દળ સુરતમાં સક્રિય થઈ હોઈ આગામી દિવસોમાં નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

Most Popular

To Top