Gujarat

વડોદરાની યુવતી યુક્રેનથી વતન પરત આવી, યુક્રેનની સ્થિતિ વિશે કહી આ વાત …

વડોદરા: યુક્રેન અને રશિયા વચ્ચે સર્જાયેલા વિવાદને (Ukraine Russia dispute)લઈ સમગ્ર વિશ્વ (world)ચિંતામાં છે. ગમે તે ઘડીએ યુદ્ધ થવાની સંભાવના છે. જેને લઈને ભારત (India)દ્વારા યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ અને નાગરિકોને લાવવામાં આવી રહ્યા છે. ભારતે આજે સવારે જ એર ફ્લાઈટ યુક્રેન રવાના કરી હતી. જે પરત આવી છે. આ ફ્લાઈટમાં વડોદરા(Vadodara)ની એક યુવતી ભારત આવતા પરિવારજનોમાં ખુશી છવાઈ ગઈ છે. આ યુવતી યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરતી હતી.

  • વડોદરાની યુવતી આસ્થા સિંધા વતન પરત ફરી
  • દિકરી હેમખેમ પરત ફરતા પરિવારે હાશકારો અનુભવ્યો
  • ભારતીય વિદ્યાર્થીઓને તથા નાગરિકોને યુક્રેન છોડી દેવાની સલાહ
  • યુક્રેન-ભારત વચ્ચેની સીધી ફ્લાઈટ પર લાદેલો પ્રતિબંધ હટાવ્યો

મળતી માહિતી મુજબ, વડોદરાના રહેવાસી અરવિંદ સિંધાની દિકરી આસ્થા સિંધા યુક્રેનમાં MBBSના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. રશિયા અને યુક્રેન વિવાદને લઈ યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને પરીવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.જેથી તેઓએ ગુજરાત સરકારની મદદ માંગી હતી. તેઓએ આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરી હતી. તેઓએ વિદેશ મંત્રાલયને રજૂઆત કરતાં એર ઈન્ડિયાની ત્રણ ફ્લાઈટ ભારત અને યુક્રેન વચ્ચે દરરોજની મૂકવામાં આવી હતી. તમામ ફ્લાઈટના સંચાલકોને ભાડાના 50 ટકા એટલે 50 હજારનો ફેર કરી દેવાનું કહ્યું હતું. બે દેશો વચ્ચે વણસી રહેલી સ્થિતિને જોતા અરવિંદ સિંધા અને તેમના પત્ની ખૂબ જ ચિંતામાં મૂકાયા હતા. જો કે દીકરી ઘરે હેમખેમ પરત આવતા પરિવારમાં હાશકારો ફેલાયો હતો.

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારત પરત આવી : આસ્થા
વતન પરત ફરેલી યુવતી આસ્થાએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં હું જે શહેરમાં રોકાઈ હતી તે સુરક્ષિત હતું, પરંતુ મારા માતા-પિતાને મારી ખૂબ ચિંતા રહેતી હતી. જેથી કરીને હું ભારત પરત આવી છું. અન્ય વિદ્યાર્થીઓ પર ભારત પરત ફરી રહ્યા છે. જોકે આ અઠવાડિયે અમારી પરીક્ષા શરૂ થવાની હતી. પરંતુ પરિસ્થિતને ધ્યાને રાખીને અમે બધા ભારત પરત આવ્યા છે.

ભારતમાંથી વધુ બે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે
યુક્રેનને લઈને રશિયાએ મોટી જાહેરાત કરી હતી. જેમાં પુતિને પૂર્વ યુક્રેનના બે ભાગોને અલગ દેશ જાહેર કર્યા છે. આ વાતને લઈ વિવાદ વધુ વકર્યો છે. યુદ્ધનું સંકટ વધુ ઘેરૂ બનતું જાય છે. જેને લઈને યુક્રેનમાં વસતા ભારતીયોને દેશમાં લાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયાનું વિશેષ વિમાન AI788 મંગળવારે સવારે 7.30 કલાકે યુક્રેનમાં રહેતા ભારતીયોને બહાર કાઢવા માટે રવાના થયું છે. યુક્રેન અને રશિયા વચ્ચેના વિવાદના પગલે ભારતે પહેલા જ યુક્રેનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું હતું. યુક્રેન પર હુમલાના વધતા ડર વચ્ચે ભારતે યુક્રેન અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી છે. એર ઈન્ડિયાનું એક વિશેષ વિમાન આજે મંગળવારે સવારે યુક્રેન માટે રવાના કરવામાં આવ્યું છે. ભારતે આ વિશેષ મિશન માટે 200થી વધુ સીટર ડ્રીમલાઈનર B-787 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. આ સિવાય ફેબ્રુઆરીમાં ભારતમાંથી વધુ બે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે.

Most Popular

To Top