SURAT

કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ સુનાવણી બાદ સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીનું ફોર્મ રદ

સુરત: (Surat) સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ફોર્મ રદ્દ થયું છે. કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ સુનાવણી બાદ કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ કુંભાણીના ફોર્મ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ બીજા દિવસે એટેલે કે આજે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ટેકેદારો હાજર ન થતાં ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું છે.

સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ બાબતે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે ફોર્મમાં જે સહી છે તે તેમની નથી. જેને લઈને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ નિલેશ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું હોવાનું જણાવ્યું હતું. આ મામલે ગઈકાલે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપવામાં હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું હતું.

બીજી તરફ કોંગ્રેસે ભાજપ પર સામ, દામ, દંડ દ્વારા નામાંકન રદ કરાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ આ બાબતને હાઈકોર્ટમાં પડકારે તેવી શક્યતા છે. ભાજપના દિનેશ જોધાણીએ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહિ હોવા અંગે કહ્યું હતુ. જેને લઈને કુંભાણી દ્વારા એક દિવસની માગણી કરાઈ હતી. તેઓને રવિવારે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ આ સમય દરમિયાન પણ તેમના ટેકેદારોની કોઈ ભાળ નહીં મળતા ફોર્મ રદ કરવાનો નિર્ણય કરાયો હતો. નિલેશ કુંભાણી દ્વારા આરોપ પણ લગાવાઈ રહ્યો છે કે તેેમના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top