SURAT

કતારગામ GIDCમાં કારખાનેદારે સાડીઓના જોબવર્કના નામે ચાર વેપારીઓને 55.19 લાખનો ચૂનો લગાડ્યો

સુરતઃ (Surat) કતારગામ જીઆઈડીસી (GIDC) ખાતે સાડીઓનું જોબવર્ક કરતાં કારખાનેદારે રિંગ રોડ સ્થિત મીલેનિયમ માર્કેટના તેમજ અન્ય માર્કેટના ચાર વેપારીઓ (Traders) પાસેથી કુલ 55.19 લાખની 36,796 નંગ સાડીઓ જોબવર્ક (Sari Job work) માટે મેળવી હતી. જો કે, જોબવર્કના નામે સાડીઓ લઇ ગયા પછી આ કારખાનેદાર દેખાતો જ બંધ થઇ ગયો હતો. કાપડ માર્કેટના વેપારીઓએ તેના કારખાના પર જઇને તપાસ કરતાં તેનું કારખાનું બંધ હોવાથી ઠગાઇ થઇ હોવાની ખાતરી થઇ જતાં અંતે મામલો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

  • કાપડના વેપારીએ જીઆઈડીસીમાં જઈને તપાસ કરરી તો ખાતુ બંધ હતું,
  • ઘરે તપાસ કરતા કારખાનેદારની પત્નીએ પોલીસ કેસની ધમકી આપી

અલથાણ રઘુવીર શેફરોન ખાતે રહેતા અને મીલેનિયમ માર્કેટમાં મહાલક્ષ્મી ફેશનના નામથી સાડીઓનો વેપાર કરતાં પ્રિતમ પ્રમોદકુમાર અગ્રવાલે અમરોલી- સાયણરોડ પર અવધ રો હાઉસમાં રહેતાં ભગવાનભાઇ લાભુભાઇ વસોયા સામે સલાબતપુરા પોલીસમથકમાં ઠગાઇની ફરિયાદ કરી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી ભગવાન વસોયા કતારગામ જીઆઇડીસીમાં સાડીઓ ઉપર જોબવર્ક કરવાનું કારખાનું ધરાવતા હતા અને ચાર વર્ષ પહેલા તેમના સંપર્કમાં આવ્યા હતા. આ વેપારીએ આરોપી કારખાનેદારને માર્ચ મહિના દરમિયાન 16.48 લાખની સાડી જોબવર્ક માટે આપી હતી.

જો કે, જોબવર્ક માટેની સમય મર્યાદા પૂરી થયા પછી પણ કારખાનેદારે સાડી નહીં પહોંચાડતા તેમણે કારખાનેદારનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. તેમણે તેના કારખાને જઇને તપાસ કરતાં કારખાનું પણ બંધ જોવા મળ્યું હતું. કારખાનેદારના ઘરે જઇને તપાસ કરતાં તેની પત્નીએ પતિ સાથે નહીં રહેતો હોવાનું જણાવતા વેપારીને ઠગાઇ થઇ હોવાની ખાતરી થઇ ગઇ હતી. એટલું જ નહીં તેની પત્નીએ વેપારીને રોકડું પરખાવ્યું હતું કે, બીજી વખત આવશો તો પોલીસ ફરિયાદ કરી દઇશું.

દરમિયાન વેપારી પ્રિતમ અગ્રવાલને જાણવા મળ્યું હતું કે, ઠગ કારખાનેદારે અન્ય માર્કેટના વેપારી સનીભાઈ (ક્રિસ્વી સાડી) પાસેથી 11.40 લાખની 7600 નંગ સાડી, સોનુભાઈ (કદંબીની સાડી) પાસેથી 11.34 લાખની ૭૫૬૦ નંગ સાડી અને બીટુભાઇ (શ્યામ સાડી) પાસેથી 15.97 લાખની ૧૦,૬૪૮ સાડી જોબ વર્ક માટે મેળવીને આ પ્રકારે જ ઠગાઇ કરી હતી. આ બનાવની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે ગુનો નોંધ વધુ તપાસ શરૂ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top