સુરત: સુરત જિલ્લા વન વિભાગે લાકડા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લાના માંડવી ઉપરાંત નવસારી, ડાંગ અને વલસાડના જંગલોમાંથી ખેરના લાકડાની ચોરી કરી મધ્યપ્રદેશમાં મોકલાતા હતા. સુરત વન વિભાગે ખેરના લાકડાની ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે, પરંતુ આ લાકડું કોને સપ્લાય થતું હતું તે દિશામાં તપાસ થાય તો રેલો મોટી ગુટકા કંપનીઓ સુધી પહોંચી શકે છે. કારણ કે ખેરના લાકડામાંથી પાનમાં ખવાતો કાથો બને છે.
સુરત વન વિભાગે ગઈ તા. 14 જૂનના રોજ એક ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી હતી. જેનું પગેરું છેક એમપી સુધી જતા માંડવી વન વિભાગ ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી. જ્યાં અલી રાજપુર નજીક ડેપોમાં સંતાડેલા લાકડા મળી આવ્યા હતા. વન વિભાગે રાજપુર નજીકના તે ડેપોમાંથી 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ડેપો મેનેજર આરીફ અલી અમજદ અલીની ધરપકડ કરી હતી. આ સાથે જ વન વિભાગે રાષ્ટ્રીય સ્તરના ખેરના લાકડા ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી પંથકમાં મોટો જંગલી વિસ્તાર આવેલો છે. અહીં છેલ્લા ઘણા સમયથી પુષ્પા સ્ટાઈલમાં લાકડા ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું હતું. જોકે આ વખતે માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે એક મોટા લાકડા ચોરીનો પર્દાફાશ કર્યો હતો.
પુષ્પા ફિલ્મની જેમ જંગલ વિસ્તારમાંથી લાકડા ચોરી કરી ટ્રક મારફત અન્ય રાજ્યોમાં મોકલતા લાકડા ચોરોને ગઈ તા. 14 મી જૂનના રોજ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે માંડવી દક્ષિણ રેંજના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. ખેરના લાકડા ચોરીની એક ટ્રક વન વિભાગે પકડી હતી. ટ્રક ચાલકની પૂછપરછમાં તપાસનો રેલો મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો હતો.
ઝડપાયેલી ટ્રકનું પગેરું શોધતા લાકડા ચોરીનું નેટવર્ક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં હોવાનું ચોંકાવનારી માહિતી વન વિભાગની ટીમને મળી હતી. જેથી માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગે અલગ અલગ ટીમ બનાવીને તાત્કાલિક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ધામો નાખ્યો હતો. જ્યાં અલીરાજપુર ખાતે આવેલ લાકડાના ડેપોમાં મોટા પ્રમાણમાં ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.
વન વિભાગની ટીમે તપાસ કરતા લાકડાના ડેપોમાંથી 2000 મેટ્રિક ટન એટલે કે 5 કરોડથી વધુનો મુદ્દામાલ વન વિભાગની ટીમને મળી આવ્યો હતો. જેથી વન વિભાગની ટીમે તમામ મુદ્દા માલ અલીરાજપુર ખાતે સીલ કર્યો હતો. આ લાકડાનો ડેપો ચલાવનાર મેનેજર આરીફઅલી અમજલ અલી મકરાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ડેપો મેનેજરની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. આ લાકડા ચોરો છેલ્લાં ચાર વર્ષથી ખેરનું લાકડું માંડવીના જંગલોમાં ચોરતા હતા. સુરત ઉપરાંત નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારોમાંથી પણ ચોરી કરતા હતા.
તેમજ નર્મદા, દાહોદ, ભરુચ જિલ્લાના જંગલમાંથી પણ લાકડું ચોરી કરાતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. હાલ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગે લાકડાં ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધી દક્ષિણ ગુજરાતમાંથી કોના મારફત લાકડાની ચોરી કરાતી હતી, એ બાબતે તપાસ શરૂ કરી છે.
ખેરના લાડકાનો ઉપયોગ ગુટકા બનાવવામાં થાય છે
પરંપરાગત રીતે પાનમાં ખવાતો કાથો ખેરના લાકડામાંથી બને છે અને જો પાનમાં તે ખાવામાં આવે તો તેનો જથ્થો મર્યાદિત માત્રામાં જોઇએ છે. પરંતુ ગુટકા બનાવવામાં મોટી માત્રામાં કાથાનો વપરાશ થાય છે અને ગુજરાત સહિત દેશભરમાં ગુટકાનું ધુમ વેચાણ થતું હોવાથી ગુટકા બનાવતી કંપનીઓ દ્વારા બે નંબરમાં ખેરના લાકડાની મોં માંગ્યા ભાવ આપીને ખરીદી કરવામાં આવે છે.
મોટા ભાગે ઉત્તર પ્રદેશના કાનપુર સહિતના વિસ્તારોમાં ગુટકા બનાવવાની ફેક્ટરીઓ ધમધમે છે અને ગુજરાત, મધ્ય પ્રદેશના જંગલોમાંથી ખેરના લાકડાનો બે નંબરનો કારોબાર ચલાવવામાં આવે છે. મધ્ય પ્રદેશના આ ગોડાઉનમાંથી ખેરના લાકડાનો જથ્થો છેલ્લા ચાર વર્ષમાં કોને કોને સપ્લાય કરવામાં આવ્યો છે તેની જો તપાસ કરવામાં આવે તો ગુટકા બનાવતી મોટી કંપનીઓના કારનામા પણ સામે આવે તેમ છે.