સુરત: (Surat) અડાજણના એલપી સવાણી રોડ પર ભાજપના જ આગેવાન દ્વારા ઊભી કરી દેવામાં આવેલી ફુડ કોર્ટ (Food Court) ‘લા મેલા’ને મનપા દ્વારા ફુડ લાયસન્સ જ આપવામાં આવ્યું નહીં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. એડવોકેટ ચિરાગ ગગલાણી દ્વારા કરાયેલી આરટીઆઈમાં ખુદ મનપા દ્વારા જ આ જવાબ આપવામાં આવતાં હવે મનપા (Corporation) દ્વારા આ ફુડ કોર્ટને દૂર કરવાની માંગણી સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહી છે.
- એલપી સવાણી રોડના ફુડ કોર્ટ ‘લા મેલા’ દ્વારા ફુડ લાયસન્સ જ લેવામાં આવ્યું નથી!
- એડવોકેટ ચિરાગ ગગલાણી દ્વારા કરાયેલી આરટીઆઈમાં ચોંકાવનારી વિગતો બહાર આવી
- સ્થાનિકોનો આ ફુડ કોર્ટ સામે ભારે વિરોધ, આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે
- અગાઉ પણ સ્થાનિક રહીશો દ્વારા અરજી કરી આ ફુડ કોર્ટનું બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેને મંજૂરી આપી દઈ બાંધકામ કરવા દેવામાં આવ્યું
એડવોકેટ ચિરાગ ગગલાણીએ જણાવ્યું છે કે આ અંગે રાંદેરના ઝોનલ ચીફને અડાજણ કેપિટલ સ્ટેટ્સ કો-ઓપ. હાઉસિંગ સોસા.ના રહીશો દ્વારા આ ફુડ કોર્ટને બંધ કરાવવા માટે આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ફુડ કોર્ટને સોસા.ની દિવાલને અડીને ઊભી કરી દેવામાં આવી છે. સાથે સાથે ફુડ કોર્ટને કારણે ભવિષ્યમાં પ્રદૂષણ-ધૂમાડાની સાથે સાથે દુર્ગંધ થકી આરોગ્યને પણ નુકસાન થવાની ભીતિ રહેલી છે. અગાઉ પણ સ્થાનિક રહીશો દ્વારા અરજી કરી આ ફુડ કોર્ટનું બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેને મંજૂરી આપી દઈ બાંધકામ કરવા દેવામાં આવ્યું છે. જે ખોટું છે.
ટેમ્પરરી સ્ટ્રકચરના નામે પરમેનેન્ટ સ્ટ્રકચર ઊભા કરી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં, ફુડ લાયસન્સ નહીં હોવા છતાં પણ મનપાના ફુડ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ માટે ફુડ કોર્ટ દ્વારા ફુડ લાયસન્સ માટે કોઈ અરજી પણ કરાવમાં આવી નથી. મનપાના અધિકારીઓની મિલીભગતમાં આ ચાલી રહ્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જો આગામી દિવસોમાં આ મામલે કાર્યવાહી કરવામાં નહીં આવે તો માનવ અધિકાર પંચને રજૂઆત કરવાની સાથે ફોજદારી કેસ કરાશે અને ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી છે.