SURAT

નવસારીના ખેડૂતને સુરતમાં ઓનલાઇન કેરી વેચવાનું ભારે પડ્યું

સુરત: (Surat) નવસારીના ખેડૂતને (Farmer) ઓનલાઇન કેરી વેચવાનું ભારે પડ્યું હતું. સુરતના હાર્દિક અને ચિરાગ નામના યુવકે 30 મણ કેરી મંગાવીને તેમાંથી 27 મણ કેરી (Mango) પુણામાં ઉતાર્યા બાદ બીજી ત્રણ મણ કેરી ઘરે આપવાનું તેમજ ઘરે જ રૂપિયા આપવાનું કહીને ફરાર થઇ ગયા હતા.

  • નવસારીના ખેડૂતને ઓનલાઇન કેરી વેચવાનું ભારે પડ્યું
  • સુરતના હાર્દિક અને ચિરાગ નામના યુવકે 30 મણ કેરી મંગાવીને તેમાંથી 27 મણ કેરી પુણામાં ઉતારી હતી

પ્રાપ્ત વિગતો મુજબ નવસારીના ગણદેવીના વણગામ મામાદેવ ખાતે રહેતા હાર્દિક રામજી પટેલ (ઉં.વ.૩૧) ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હાર્દિકભાઈ ખેતરમાં આંબાનું વાવેતર કરી સિઝનમાં કેરીનું વેચાણ કરે છે. હાર્દિકને તેના જ મિત્રએ ફેસબુક મારફતે કેરીનું વેચાણ કરવાની સલાહ આપી હતી. હાર્દિકે ફેસબુકમાં કેરીનો માલ વેચાણ માટે મૂક્યો હતો અને તેમાં પોતાનો મોબાઇલ નંબર પણ રાખ્યો હતો. આ દરમિયાન સુરતના પુણા-કુંભારિયા રોડ ઉપરથી એક યુવકે હાર્દિકને ફોન કરીને પહેલાં 4 મણ કેરી ખરીદી હતી અને તેના રૂ.10000 હજાર પેમેન્ટ આપી દીધું હતું.

આ સાથે જ હાર્દિકભાઇને વિશ્વાસ આવતાં ધવલે વધુ 30 મણ કેરીનો માલ ઓર્ડર કર્યો હતો અને સુરત આવીને રૂપિયા આપવા માટે જણાવ્યું હતું. ધવલે હાર્દિકને પુણા સીતાનગરની ઇન્ટરનેશન ફેશન માર્કેટ પાસે બોલાવ્યો હતો ત્યાં 27 મણ કેરી ઉતરાવી હતી. જ્યારે બાકીની 3 મણ કેરી પુણા ગામમાં જ પોતાના ઘરે આપવાનું કહીને હાર્દિકને લઇ જવામાં આવ્યો હતો. રસ્તામાં ધવલ ફુલ સ્પીડમાં મોપેડ હંકારીને ફરાર થઇ ગયો હતો. આ ઉપરાંત તેને ફોન કરવામાં આવતાં ફોન પણ સ્વિચ ઓફ આવ્યો હતો. હાર્દિકે 27 મણ કેરી જ્યાં ઉતારી હતી ત્યાં ગયો તો ત્યાં કેરીનો માલ પણ ગાયબ થઇ ગયો હતો. આ બનાવ અંગે હાર્દિકે ધવલ નામના ઇસમની સામે રૂ.64800ની ઠગાઇ કરી હોવાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top