SURAT

ડુમસ અને ઉમરવાડા પારસી પંચાયતની જમીનના વિવાદમાં સ્પે. મહેસૂલ સચિવે 6ઠ્ઠી જુલાઈ સુધી સ્ટે લંબાવ્યો

ગાંધીનગર: અંદાજિત 2000 કરોડની સુરતની ડુમસ સ્થિત 2.17 લાખ ચો.મી જમીન ખાનગી માલિકીની ઠરાવવાના કેસમાં ગત તા.29 જાન્યુ. 2024ના રોજ સુરતના તત્કાલીન કલેકટર દ્વારા કરાયેલા હુકમ સામે રાજય સરકારની અપીલના સંદર્ભમાં આજે સ્પે. મહેસૂલ સચિવ (વિવાદ) દ્વારા આગામી તા.6ઠ્ઠી જુલાઈ સુધીનો સ્ટે લંબાવ્યો છે. તેવી જ રીતે સુરતની ધી પારસી પંચાયત ફંડઝ એન્ડ પ્રોપર્ટીઝની ઉમરપાડાની ફાઈનલ પ્લોટની 2756 ચો.મી જમીન બહુહેતુક બિનખેતી હેતુફેર અંગેના કલેકટર સુરતના હુકમ સામેનો સ્ટે પણ 6ઠ્ઠી જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો છે.

  • ડુમસની 2000 કરોડની અંદાજે 2.17 લાખ ચોરસ મીટર સરકારી પડતર જમીનમાં ગણોતનું નામ દાખલ કરીને ખાનગી માલિકીની ઠરાવવાના કેસમાં તત્કાલિન કલેક્ટર આયુષ ઓકને સરકારે સસ્પેન્ડ કરી દીધા છે
  • ઉમરપાડા સ્થિત પારસી પંચાયતની જમીનમાં કલેકટર સુરત દ્વારા ગત તા.27-4-2024ના રોજ બહુહેુતુક ઉપયોગી બિનખેતી હેતુફેરનો આદેશ કરાયો હતો, જેમાં કંઈક બફાયાનું લાગતા ક્લેકટરે પાછળથી સ્ટેની માંગણી કરી હતી.

સુરતના ડુમસની અંદાજિત 2.17 લાખ ચો.મી જમીન સરકારી પડતર જમીનમાં ગણોતનું નામ દાખલ કરીને આ 2000 કરોડની જમીનને ખાનગી માલિકીની ઠરાવવાના તત્કાલીન સુરતના કલેકટરના આદેશના પગલે આ સમગ્ર ગેરરિતીની તપાસ બાદ ગત 11મી જુનના રોજ રાજય સરકારે મહત્વના આદેશમાં આયુષ ઓકને રાજય સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા. આ સમગ્ર જમીન કૌભાંડ પાછળ મોટા રાજકિય માથાઓને પણ હવે કૌભાંડના છાંટા ઉડે તેવી સંભાવના છે. એટલું જ નહીં રાજકિય માથાઓ સાથે સંકળાયેલા બિલ્ડરો પણ વરૂણીમાં આવી જાય તેવી સંભાવના છે. આ જમીન કૌભાંડથી ભાજપના દિલ્હી દરબારમાં હાઈકમાન્ડ પણ નારાજ હોવાનું જણાય છે. એટલું જ નહીં જે રાજકિય મોટા માથાઓએ આ જમીન ખાનગી માલિકીની ઠરાવવા સુરતના તત્કાલીન કલેકટરને કોણે કોણે રાજકિય ભલામણ કરી હતી ? તેની પણ તપાસ ચાલી રહી છે.

અન્ય બીજા કેસમાં ઉમરપાડા ખાતે આવેલી પારસી પંચાયતની જમીનમાં કલેકટર સુરત દ્વારા ગત તા.27-4-2024ના રોજ બહુહેુતુક ઉપયોગી બિનખેતી હેતુફેરનો આદેશ કરાયો હતો. જેમાં ફાઈનલ પ્લોટની 2756 ચો.મી જમીન સંકળાયેલી હતી. આ બિનખેતીના હુકમ બાદ પુર્ણા મામલતદારે પ્રાન્ત અધિકારીને પત્ર લખીને એવું માર્ગદર્શન માગ્યું હતું કે જે જમીનના સંદર્ભમાં બિન ખેતી આદેશ કરાયો છે, તેમાં બીજા હક્કામાં ગુજરાત હાઈકોર્ટ તથા મહેસૂલ પંચનો સ્ટેનો આદેશ છે માટે , બિનખેતી નોંધનો અમલ કરવો કેમ ? પત્ર મળ્યા બાદ કાંઈક બફાઈ ગયું છે, તેવું લાગતા કલેકટર દ્વારા જ સ્પે. મહેસૂલ સચિવ સમક્ષ અરજી કરીને સ્ટેની માંગણી કરાઈ હતી. આ સ્ટે હવે આગામી 6ઠ્ઠી જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો છે.

શું છે ડુમસની જમીનનો વિવાદ?
રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) ના અન્ડર સેક્રેટરી જયમીન શાહે સુરતના તત્કાલીન કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરતો આદેશ જારી કર્યો હતો. એટલું જ નહીં સસ્પેન્શન સમય દરમ્યાન તેમનું ડિસ્ટ્રીકટ હેડકવાર્ટર પાટણ રહેશે , તેમ જણાવાયું હતું.

અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી તથા કોંગીના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજુઆત કરીને એવી માંગ કરી હતી કે સમગ્ર પ્રકરણની તપાસ કરવા એક સીટની રચના કરવી જોઈએ ,આ ઉપરાંત સુરતના તત્કાલીન કલેકટરની સામે તપાસ કરીને તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. કોંગીના આગેવાનોએ અરજીમાં એવી રજુઆત કરી છે કે , મોજે. ડુમ્મસની સર્વે નં-311/3વાળી જમીનમાં 1948-49માં સરકારી પડતર જમીન તરીકે બોલતી હતી. તેમાં ગમે તે રીતે ગણોતિયાનું નામ દાખલ કરી દેવાયું છે. કોઈ પણ જાતના આધાર પુરાવા વગર ગણોતિયાનું નામ કરવામાં આવ્યું છે. આ જમીનનું ગણેતિયા દ્વારા વખતો વખત વેચાણ પણ કરી દેવાયું છે.

જયારે અગાઉ આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો ત્યારે કલેકટર ઓફિસ દ્વારા આ જમીન સરકારી પડતર હોવાનું સોગંદનામુ રજુ કરાયું હતું એટલું જ નહીં ખોટી રીતે ગણોતિયાનું નામ દાખલ કરાયું હતું, તેવું પણ એફિડેવીટમાં લખવામાં આવ્યું હતું. સરકારી પડતર જમીનને ખેડવાથી કોઈ વ્યકિત્ત ગણોતિયો ઠરતો નથી, આવી કાયદાની કલમમાં પણ કોઈ જોગવાઈ નથી. માટે સમગ્ર જમીન કૌભાંડની તપાસ કરવા સ્પે. ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવી જોઈએ.

Most Popular

To Top