SURAT

સુરત જિલ્લા પંચાયતની 36 પૈકી 33 બેઠકો ભાજપે કબ્જે કરી

સુરત: સુરત જિલ્લા પંચાયતની (Surat District Panchayat) 34 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની (Election) આજે હાથ ધરાયેલી મતગણતરીના અંતે ભાજપાએ 31 બેઠકો જીતી લીધી હતી. કોંગ્રેસે ફક્ત બે જ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. અગાઉ ભાજપે (BJP) ચૂંટણી પૂર્વે જ સુરત જિલ્લા પંચાયતની 2 બેઠકો કામરેજ અને પીંજરત બિનહરીફ કબજે કરી લીધી હતી. આમ સુરત જિલ્લા પંચાયતમાં ભાજપે કુલ 36 પૈકી 33 બેઠકો જીતી લઇને સુરત જિલ્લા પંચાયતના વહીવટમાં એક હથ્થુ સામ્રાજ્ય સ્થાપી દીધું છે. જિલ્લા પંચાયતની ચૂંટણીની અંતિમ પ્રકિર્યા રૂપે આજે હાથ ધરાયેલી 34 બેઠકો માટની મતગણતરીમાં પહેલેથી જ ભાજપાના ઉમેદવારો દરેક બેઠક પર લીડ ધરાવતા હતા. માંડવીની બે બેઠકો પર કોંગ્રેસી ઉમેદવારોએ પહેલા રાઉન્ડથી જ સરસાઇ મેઇન્ટેન રાખી હતી. એ સિવાય બાકીની તમામ બેઠકો પર ભાજપાના ઉમેદવારોએ પહેલા રાઉન્ડથી જ લીડ અકબંધ રાખતા આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપાએ 34 પૈકી 31 બેઠકો કબજે કરી લીધી હતી.

માજી કોંગી ધારાસભ્ય અનિલ પટેલ વરા઼ડ બેઠકથી અને તેમના પત્ની પન્નાબેને કડોદ બેઠકથી પરાજીત
સુરત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફરી એકવખત કમળ ખીલી ઉઠયુ છે. આ ચૂંટણીમાં કોગ્રેસના ખેરખા અને જૂના જોગીઓનો રકાસ થયો છે. જિલ્લા પંચાયતની વરાડ બેઠક ઉપરથી કોગ્રેસના દિગગ્જ અને માજી ધારાસભ્ય અનિલ પટેલ તેમજ તેમના પત્ની પન્નાબેન પટેલ કડોદ બેઠક ઉપરથી હારી ગયા હતા.

સુરાલી બેઠકના સીટીંગ મેમ્બર મીના ચૌધરીને પરાજય મળ્યો
સુરત જિલ્લા પંચાયતની સુરાલી બેઠક ઉપરથી સીટીંગ મેમ્બર અને મઢી સુગરના દિગ્ગજ નેતા સુરેશ ચૌધરીના પત્ની મીનાબેને ચૌધરીનો કારમો પરાજય થયો છે તેમને ઇલેકશનમાં મતદારોએ જાકારો આપી દીધો હતો.

માંડવીની દેવગઢ અને ઘંટોલી બેઠક કોંગ્રેસને ફાળે

કોંગ્રેસના ફાળે ફક્ત બે જ બેઠકો આવી હતી. સુરત જિલ્લા પંચાયતની આદિજાતી માટે અનામત માંડવી-દેવગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનિલ ચૌધરી તેમજ માંડવી ઘંટોલી આદિજાતી માટેની અનામત બેઠક કોંગ્રેસના ઉમેદવાર બિપિન ચૌધરીનો વિજય થયો હતો. એ સિવાય બાકીની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા હતા.

નાની નરોલી બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા દર્શન નાયકનો પરાજય

સુરત જિલ્લા પંચાયતમાં વિપક્ષી નેતા તરીકે ધારદાર ભૂમિકા ભજવનાર કોંગ્રેસી નેતા દર્શન નાયક જ્યાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યા હતા એ નાનીનરોલી બેઠક આજે ટોક ઓફ ધ ટાઉન બની હતી. સુરત જિલ્લા પંચાયતની 31 બેઠકો હારી ચૂકેલી કોંગ્રેસને આ ચૂંટણીનો સૌથી મોટો ઝાટકો ત્યારે લાગ્યો કે જ્યારે માંગરોળ નાની નરોલીની બેઠક પર દર્શન નાયકનો પરાજય થયાના સમાચાર આવ્યા. દર્શન નાયકને ત્રીજા રાઉન્ડથી જ ખબર પડી ગઇ હતી કે તેઓ હારી રહ્યા છ કેમકે ભાજપના ઉમેદવારની લીડ સતત વધતી રહી હતી. સુરત જિલ્લાની નાની નરોલી બેઠક પર કોંગ્રેસી આગેવાન દર્શન નાયકની 4346 મત થી હાર થઇ હતી. ભાજપના અફઝલખાન પઠાણનો વિજય જાહેર થયો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top