સુરત : (Surat) દેવધ ગામ પાસે થયેલા ભીષણ અકસ્માતમાં (Accident) ડમ્પરની નીચે બે યુવાનનાં કરુણ મોત (Death) નીપજ્યાં હતાં. આ ઘટનામાં પોલીસે (Police) માનવતા લજવી હતી. તેમાં બે યુવાનનાં કરુણ મોત પછી ગોડાદરા અને પૂણા પીઆઇ વચ્ચે હદ મામલે બે કલાક સુધી વિવાદ (Controversy) થયો હતો. આ ઘટનામાં શર્મનાક બાબત એ હતી કે બે યુવાનોની લાશ બે કલાક સુધી રસ્તા પર રઝળતી રહી હતી. દરમિયાન બે કલાક પછી પોલીસે બે યુવાનની લાશ ઊંચકી હતી.
સુરત પોલીસે માનવતાને લજવી: બે કલાક સુધી બંને યુવાનોના મૃતદેહ રસ્તે પડી રહ્યાં ને પોલીસ..
આ મામલે જે વિગત જાણવા મળી છે તે પ્રમાણે પલસાણા ચાર રસ્તા, બલેશ્વર પાસે આવેલી સ્ટાર નીટ મીલ પરથી શિવ ચાંડક અને અનિરુદ્ધ શર્મા નામના બે જવાન સાંજે એક્ટિવા ગાડી પર પોણા સાત વાગ્યે નોકરી પૂરી કરી ઘરે પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન દેવધ ગામ પાસે રસ્તો ક્રોસ કરતી વખતે રેતીના ડમ્પરિયાએ એક્ટિવાને અડફેટે લીધી હતી. ડમ્પરચાલક એટલો બેફામ હંકારતો હતો કે એક્ટિવાને સો મીટર જેટલો ઘસડી ગયો હતો. તેમાં એક્ટિવા પર બેસેલા અનિરુદ્ધ (ઉ.વ.21)નો અંગો છૂટાં પડી ગયાં હતાં. જ્યારે શિવ ચાંડક (ઉં.વ.26) સ્થળ પર કચડાઇ ગયો હતો. બે યુવાનનાં સ્થળ પર જ કરુણ મોત નીપજ્યાં હતાં. સ્થળ પર યુવાનોના પરિવારો ત્વરિત દોડી આવ્યા હતા. તેમનાં કરુણ આક્રંદથી આખો માહોલ ગમગીન થઇ ગયો હતો.
પોલીસે તમામ નાલાયકીની હદ વટાવી
પોલીસે આ આખી ઘટના મામલે ત્વરિત કાર્યવાહી કરવાને બદલે પોતાની હદ મામલે પૂણા પીઆઇ સોલંકી અને ગોડાદરા પીઆઇ ગામીત વચ્ચે બે કલાક સુધી રકઝક થઇ હતી. આ મામલે બે કલાક સુધી આ બે અધિકારીએ લાશ ઊંચકવાની પણ તસદી લીધી ન હતી. બાદ ઉચ્ચ અધિકારીઓને માલૂમ પડતાં લાશ ઊંચકાઇ હતી. આમ, પોલીસે આ આખી ઘટના મામલે અમાનવીય વર્તન દાખવ્યું હતું.
અનિરુદ્ધ પરિવારનો એકમાત્ર સહારો હતો
આ ઘટનામાં મરનાર અનિરુદ્ધ તેના પરિવારનો એકમાત્ર સહારો હોવાની વિગત સ્થળ પરથી જાણવા મળી છે. આ યુવાન રાજસ્થાનના સીકરના લક્ષ્મણગઢનો વતની છે. તેના પિતાનું અગાઉ અવસાન થયું હતું. જ્યારે તેની મા અને બહેનનો એકમાત્ર સહારો હોવાની વિગત જાણવા મળી છે.