સુરત: (Surat) શહેરમાં કોરોનાને લીધે તમામ વેપાર ઉદ્યોગો પ્રભાવિત થઇ રહ્યા છે. કાપડ ઉદ્યોગમાં લગ્નસરા નિષ્ફળ જાય તેવી નોબત આવી છે ત્યારે જરી ઉદ્યોગકારોએ કાચા માલની ઊંચી કિંમત અને તૈયાર માલની ઘટતી માંગના પગલે પ્રોડક્શનમાં (Production) પણ 40 ટકા જેટલો ઘટાડો કર્યો છે. કોરોનાની અસર જરી ઉદ્યોગ પર પણ પડી છે. કોરોના પહેલાં શહેરના 185 યુનિટમાં 1800 જેટલાં જરીના મશીન કાર્યરત હતા, તે પૈકી 200 જેટલાં મશીનો બંધ થઈ ગયા છે. ટ્રાન્સપોર્ટેશન, મજૂરી અને કાચા માલની ઊંચી કિંમતના લીધે પોષાતું નહીં હોય કોટ વિસ્તારની બહાર જોબવર્ક (Job work) પર ચાલતા મશીનો અને કારખાના બંધ થવાની આરે છે.
ઓલ ઇન્ડિયા જરી એસોસિયેશનના પ્રમુખ શાંતિલાલ જરીવાળાએ જણાવ્યું હતું કે, એક બાજુ કોરોનાની અસર અને બીજી બાજુ જરી ઉદ્યોગને મોંઘો કાચો માલ નડી ગયો છે. ગયા વર્ષે 550 રૂપિયે કિલો મળતું તાંબુ અત્યારે 915માં ખરીદવું પડે છે. તો ચાંદીએ એક વર્ષમાં 47,000થી 70,000 પર કૂદકો માર્યો છે. પોલિયેસ્ટર 260થી વધી 290, કેમિકલ રૂપિયા 180થી વધી 280 પર પહોંચ્યું છે. સરેરાશ 20 ટકા જેટલો ભાવ વધારો કાચા માલમાં થયો છે. બીજી તરફ કોરોનાના લીધે સતત બીજા વર્ષે લગ્નસરાની સિઝન ફ્લોપ જઈ રહી હોય જરીની માંગમાં સતત ઘટાડો થયો છે. જરીનો ઉપયોગ મોટા ભાગે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને બનારસી સાડીમાં થતો હોય છે. એક વર્ષથી લગ્નો જ ઘટી ગયા હોય જરીની માંગ ઘટી ગઈ છે. તેના લીધે જરી ઉત્પાદકો સ્વૈચ્છિક પણે ઉત્પાદન પર 40 ટકા કાપ મુક્યો છે.
રાત્રિ કર્ફ્યૂને લીધે કામકાજના સમયમાં ઘટાડો કરાયો
જરી ઉદ્યોગકારોનું કહેવુ છે કે પહેલાં મશીનો સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલતા હતાં તે હવે માંડ 8 કલાક ચાલી રહ્યાં છે. એટલે કે સવારે 8થી 6 વાગ્યાનો નવો સમય નક્કી કરવામાં આવ્યો છે. જરી ઉત્પાદકોએ સ્વયંભૂ જ કામકાજ ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ કોરોનાના સંક્રમણથી બચવા માટે માલની ડિલીવરીનો સમય પણ બે કલાક નક્કી કરી દેવામાં છે.
(Surat) શહેરમાં કોરોનાના કેસો વધવા સાથે મૃત્યુઆંક સતત વધી રહ્યો હોવાથી ભયનો માહોલ છે ત્યારે કોરોનાની ચેઇન તોડવા માટે બે દિવસ ઉદ્યોગ-વેપાર બંધ રાખવા છેલ્લા એક સપ્તાહથી બેઠકો ચાલી રહી હતી. દરમિયાન ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાના નેતૃત્વમાં ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકને અંતે ચેમ્બર દ્વારા ‘બ્રેક ધ ચેઇન’ ઝુંબેશ હેઠળ 30 એપ્રિલ સુધી સપ્તાહમાં બે દિવસ એટલે કે શનિવારે અને રવિવારે (Saturday sunday) ઉદ્યોગ (Industries) વેપાર બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.