SURAT

સુરતના વેડછા ગામના કેળાના ખેતરમાં બુટલેગરો દારૂ ઉતારી રહ્યાં ત્યારે..

સુરત (Surat): મહારાષ્ટ્રના (Maharashtra) નવાપુરથી (Navapur) મોટા પાયે દારૂનો (Liquor) જથ્થો લાવી વેડછા (Vedcha) ગામના ખેતરમાં (Farm) ઉતારતા હોવાની બાતમી ડીસીબીને (DCB) મળી હતી. ખેતરમાં કારમાંથી (Car) મોપેડમાં માલ મૂકતી વખતે ડીસીબી ત્રાટકતાં નાસભાગ મચી ગઈ હતી અને આરોપીઓ ખેતરોમાં ભાગી ગયા હતા. પોલીસે રાહુલ મંડલની ઓળખ કરી ગુનો નોંધ્યો હતો. ડીસીબીએ 10 લાખનો મુદ્દામાલ તો પકડ્યો છે, પરંતુ આ મામલે ચોંકાવનારી વિગત એ છે કે પૂણા પોલીસની નિષ્ક્રિયતા ડીસીબીએ ખુલ્લી કરી નાંખી છે. પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આ મામલે તપાસ કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે.

  • કેળાના ખેતરમાં કારમાંથી મોપેડમાં માલ કાર્ટિંગ કરતા હતા ત્યારે ડીસીબી ત્રાટકી
  • ક્રાઈમ બ્રાંચને જોઈને આરોપીઓ કેળાનાં ખેતરોમાં ભાગી ગયા
  • ક્રાઈમ બ્રાંચે 1572 દારૂની બોટલ, ત્રણ મોપેડ અને એક કાર સહિત 10.84 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ક્રાઈમ બ્રાંચની ટીમને રાહુલ મંડલ તથા દુર્ગેશ રાજભર કારમાં નવાપુર મહારાષ્ટ્ર ખાતેથી લિસ્ટેડ બુટલેગર ગોરખ ઉર્ફે પીન્ટુ ભીમરાવ બડોગે, વિશ્વાસ ભીમરાવ બડોગે તથા રોશન ઠાકુર પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો લાવી રહ્યા છે. અને વેડછા ગામની સીમમાં વેડછાથી ચલથાણ જવાના રસ્તા ઉપર એક કેળાના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી હતી. વેડછા ગામથી ચલથાણ તરફ જતા રસ્તા પર નવા ગરનાળા પાસે આશરે ૩૦૦ મીટર અંદર કેળાના ખેતરમાં કારમાંથી કેટલાક જણા દારૂનો જથ્થો ટુ-વ્હીલર મોપેડ ઉપર મૂકતા હતા.

ત્યારે જ ક્રાઈમ બ્રાંચની ટીમ ત્રાટકતાં ત્યાં રહેલા તમામ ભાગવા લાગ્યા હતા. ક્રાઈમ બ્રાંચે ભાગી રહેલા રાહુલ મંડલને ઓળખી લીધો હતો. આ સિવાય બીજા માણસો પણ ખેતરમાં ઘૂસી ગયા હતા. ક્રાઈમ બ્રાંચે રાહુલ મંડલ (રહે.,લિંબાયત), દુર્ગેશ રાજભર (રહે.,પરવટ પાટિયા), ગોરખ ઉર્ફે પીન્ટુ ભીમરાવ બડોગે (રહે., નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર), વિશ્વાસ ભીમરાવ બડોગે, રોશન ઠાકુર (રહે., નવાપુર, મહારાષ્ટ્ર) તથા પંકજ તથા બીજા બેની સામે ફરિયાદ નોંધી હતી. તેમની પાસેથી 1572 દારૂની બોટલ સાથે ત્રણ મોપેડ અને એક કાર મળીને 10.84 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

સાત મહિનામાં ડીસીબીએ 1.93 કરોડ, પીસીબીએ 30.91 લાખ અને પોલીસે 60.45 લાખનો દારૂ પકડ્યો
ચાલુ વર્ષે 28 જુલાઈ સુધીમાં શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનમાં પોલીસે કુલ 60.49 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. આ સિવાય પીસીબીએ સાત મહિનામાં 30.91 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. જ્યારે ક્રાઈમ બ્રાંચે સાત મહિનામાં સૌથી વધારે 1.93 કરોડનો દારૂ પકડી પાડ્યો હતો. એટલે કે છેલ્લા સાત મહિનામાં પોલીસે કુલ 2.85 કરોડનો દારૂ પકડી પાડ્યો હતો.

Most Popular

To Top