સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ડાન્સથી (Dance) ડરને ભગાવો અને રોગ પ્રતિકારક શકિત વધારો’ વિષય ઉપર યોજાયેલા વેબિનારનું સંબોધતા સુરતના ડાન્સર અને કોરીયોગ્રાફર શ્રદ્ધા શાહ રાજે જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં લોકો કોરોનાથી ગભરાઇ રહ્યાં છે.
બીજી તરફ કેટલાક લોકોને ધંધા – રોજગારીમાં પણ નુકસાન થયું છે. આવી પરિસ્થિતિમાં તેઓ માનસિક તાણ અનુભવે એ સ્વાભાવિક છે. આથી દરેક પ્રકારના મેન્ટલ, ફાયનાન્સિયલ અને પર્સનલ તાણમાંથી બહાર આવવા માટે અઠવાડિયામાં ત્રણ દિવસ સાત મિનિટ માટે ડાન્સ કરવો જોઇએ. ડાન્સ કરવાથી એન્ડોરફીન નામનું હોર્મોન્સ રિલીઝ થાય છે. જેને કારણે લોકો માનસિક તાણમાંથી બહાર (Stress free) આવી જાય છે અને જીવનમાં જે કઇપણ સમસ્યાઓ અથવા ચેલેન્જીસ હોય છે તેની સામે લડવાની શકિત મળે છે.
એન્ડોરફીન હોર્મોન્સ રિલીઝ થવાને કારણે લોકો રિલેકસ થઇને ઝડપથી નિર્ણય લઇ શકે છે અને તેઓની રોગ પ્રતિકારક શકિત પણ વધે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેટલીક કોર્પોરેટ ઓફિસોમાં સ્ટાફ કર્મચારીઓને પણ ડાન્સ થેરેપી કરાવવામાં આવે છે. જે કર્મચારી તાણમાં હોય તેની વર્ક પ્રોડકિટવિટી ઘટી જાય છે. આથી ડાન્સ કરવાથી તે રિલેકસ થઇ જાય છે અને ફરીથી તેની વર્ક પ્રોડકિટવિટી વધી જાય છે. તેમણે કહયું કે, ડાન્સ માટે કોઇ કેપ નથી. કોઇપણ પ્રકારના મ્યુઝીક ઉપર ડાન્સ કરી શકાય છે. ફેમિલીના સભ્યો મળીને ડાન્સ કરે તો તેઓની વચ્ચેનું બોન્ડીંગ વધી શકે છે. પરિવારના સભ્યોનું એકબીજાની વચ્ચેનું બેરીયર પણ તુટી જાય છે અને તેઓ એકબીજાની કાળજી લેતા થાય છે. મોટા ભાગના લોકો જાહેરમાં નાચવા માટે શરમાતા હોય છે.