Dakshin Gujarat

લોલમલોલ..નવસારીમાં આરોગ્ય તંત્રએ મરેલાને સાજો કરી ડિસ્ચાર્જ કર્યો !

નવસારી: (Navsari) નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ ખરેખર કોરોનામાં ઉઘાડો પડી ગયો છે. અત્યાર સુધી તો કોરોનાના દર્દીઓ (Patient) અને કોરોનાથી મૃતકોના આંકડામાં લોકોને આંખે પાટા બાંધી રહ્યાનું જણાતું હતું. હવે તો એક ડગલું આગળ વધીને કોરોનામાં મૃત્યુ પામેલાને પણ ડિસ્ચાર્જ લિસ્ટમાં (Discharge List) દેખાડીને સરકારને વ્હાલા થઇને કયું ઇનામ મેળવવાની હોડ લાગી છે, એ સમજાતું નથી.નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ જાણે મોટો જાદુનો ખેલ કરતું હોય એમ લાગે છે. નવસારી સિવિલના દર્દીઓ અને મૃતકોના આંકડા પણ સાચુ આપવામાં ઉણું ઉતરેલો આ વિભાગ ખાનગી હોસ્પિટલના દર્દીઓને તો ગણતો જ નથી અને તેને કારણે જ જિલ્લામાં કોરોનાના ઓછા સંક્રમિતો સરકારી ચોપડે ચઢતા હતા. ઓછા દર્દીઓ હોવાને કારણે ઓક્સિજન, રેમડેસિવિર તથા બેડ વગેરેની ફાળવણી ઓછી થઇ અને તેને કારણે અનેક દર્દીઓ રઝળી પડ્યા. ઓક્સિજનની પૂરતી ફાળવણી નહીં થવાને કારણે મુલ્લા હોસ્પિટલમાં 6 દર્દીઓએ જીવ પણ ગુમાવ્યા હતા. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના અંગે જે કામગીરી બજાવી તેને કારણે દર્દીઓએ ભારે હાલાકી વેઠવી પડી હતી. જો કે હજુ પણ જિલ્લા આરોગ્ય અધિકારીનો વાળ પણ વાંકો થયો નથી, એ જિલ્લાની નબળી નેતાગીરીને આભારી છે.

નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ ખોટા આંકડા દેખાડીને સબ સલામતની પોકાર પાડતું રહ્યું છે. હવે તેના આ જાદુમાં ઉપલા અધિકારી કે સરકારને લાડકા થવા માટે કોરોનામાં મૃત્યુ પામેલા એક યુવાનને ત્રણ દિવસ બાદ જીવતો કરીને સાજો કરી ઘરે મોકલવાના બણગાં પણ ફૂંક્યા છે.આ ઘટનામાં વંકાલના મોટા ફળિયાના રહીશ રિગલ ડાહ્યાભાઇ પટેલ કોરોના થતાં ચીખલીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. 30 વર્ષના આ યુવાનનું મૃત્યુ 1 મે 2021ના દિવસે થયું હોવાનું સર્ટીફિકેટ હોસ્પિટલે પરિવારને આપ્યું છે. ઘરનો ભાર ઉંચકી શકે એવા યુવાન દીકરાનું મૃત્યુ થાય એ પિતા માટે આઘાત હોય છે. ઉપરાંત એ યુવાનની માતાનું પણ તેના મૃત્યુ પહેલાં મૃત્યુ થયું હતું. ડાહ્યાભાઇ પટેલ માટે એ બેવડો આઘાત હતો. પરંતુ આરોગ્ય વિભાગે એવો જાદુ કર્યો કે તા. 4 મે 2021ના દિવસે જિલ્લાની ડિસ્ચાર્જ યાદીમાં યુવાનનું નામ જાહેર થયું હતું.

સ્વાભાવિક છે કે કોરોનાના પોઝિટિવ ન્યૂઝ આપવાની એક પહેલ ચાલી રહેલી છે. દર્દીઓ સાજા થઇને ઘરે પાછા ફરી શકે છે, એ જોઇને દર્દીઓને હામ રહે કે તેઓ સાજા થઇ શકે છે. એ હિંમત અને એ પોઝીટીવીટી જરૂરી હોય છે, ત્યારે 4 મેની ડિસ્ચાર્જ યાદીમાં સાજા થયેલા દર્દીઓની યાદીમાં ત્રીજા નંબરે રિગલ પટેલનું નામ જોતાં બધા જ ચમકી ગયા હતા. પિતા ડાહ્યાભાઇ માટે તો આ ક્રૂર મશ્કેરી હતી.
આ યાદી જોતાં લાગે છે કે નવસારી જિલ્લા આરોગ્ય તંત્રની દર્દી, ડિસ્ચાર્જ અને ડેથ યાદીમાં ભારે લોલમલોલ ચાલે છે.

હોસ્પિટલનો અમાનવીય ચહેરો
રિગલનું મૃત્યુ થયું એ પહેલાં તેની માતાનું પણ મૃત્યુ થયું હતું. રિગલની સારવાર ચાલી રહી હતી. એ હોસ્પિટલમાં રિગલની સારવાર માટેનું મોટું બિલ ભરવાનું જણાવ્યું હતું. પરંતુ આ પરિવાર પાસે એટલા નાણાં નહી હોવાને કારણે રિગલના વીમાના નાણાં આવે તેમાંથી બાકીનું બિલ ચુકવી દેવાનું વચન આપ્યું હતું. પરંતુ હોસ્પિટલે જે અમાનવીય વ્યવહાર કર્યો હતો, તેથી બિચારા પિતા બબ્બે સ્વજન ગુમાવીને પડી ભાંગ્યા હતા. પરંતુ તંત્ર પણ સાવ બુડથલ બનીને જોઇ રહ્યું હતું. મત લેવા દોડી આવતા નેતાઓ પણ એ વખતે દેખાયા ન હતા કે કોઇ મદદ કરવા પણ આવ્યું ન હતું.

દિવ્યાંગ પિતાના આંસું કોઇએ લૂછ્યા નહી
પત્ની અને પુત્રને ગુમાવનારા ડાહ્યાભાઇ દિવ્યાંગ છે. સ્વાભાવિક છે કે વડાપ્રધાન મોદીએ વિકલાંગો માટે દિવ્યાંગ શબ્દ આપ્યો છે. પરંતુ એ શબ્દ ફક્ત શબ્દ જ રહી ગયો છે. સરકારી તંત્રમાં તેનાથી કોઇ સંવેદના બદલાઇ નથી. રિગલના વીમા માટે વીમા કંપનીની ફોર્માલિટી પૂરી કરવામાં પણ હોસ્પિટલના સંચાલકોએ પરિવારજનોને યોગ્ય સહકાર આપ્યો નથી, ત્યારે ડાહ્યાભાઇ ખરેખર વિકલાંગ બની ગયા છે. જનપ્રતિનિધિઓમાં સંવેદનાનો છાંટો બચ્યો હોય, તો આ પરિવારને સ્વજન ગુમાવ્યાની વેદનાની સાથે સાથે આર્થિક બોજા હેઠળથી પણ બચાવવા માટે આગળ આવે એ જરૂરી છે.

Most Popular

To Top