Dakshin Gujarat

કાયદો માત્ર પ્રજા માટે? ગુજરાતમાં રાજકીય કાર્યક્રમો ઉપર પ્રતિબંધિત જાહેરનામું હોવા છતાં ભરુચમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

અંકલેશ્વર: (Ankleshwar) કોરોનાની કાળમુખી લહેર વચ્ચે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સવાલો ઉઠાવી રહી છે. સરકાર ખુદ રાજકીય મેળાવડા સહિત પર એક તરફ પોતે પ્રતિબંધ મૂકી તમામ આદેશોનો જનતા પર કડક અમલ કરાવી રહી છે. ત્યારે ખુદ ભાજપ (BJP) જ તેનો છેદ ઉડાવી રહી છે. ભરૂચમાં બુધવારે અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં બંગાળમાં થયેલી હિંસા સામે BJP એ જાહેરમાં એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે, આ રાજકીય કાર્યક્રમમાં ખુદ પોલીસ (Police) હાજર રહી હોવા છતાં સરકારી જ જાહેરનામા અને કોવિડ ગાઈડલાઈન ભંગ (Breaking guidelines) અંગે કોઈ કાર્યવાહી નહીં થતાં પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. તમામ બંધનો, કાયદા-કાનૂન, જાહેરનામા ફક્ત પ્રજાને જ લાગુ પડે છે તેવા સવાલો હવે લોકો ઉઠાવી રહ્યા છે.

બંગાળમાં ચૂંટણી પૂર્ણ થતાં જ વાતાવરણ ગરમાયું હતું જેના પગલે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને ઉપર હુમલાઓ પણ થયા હશે, જેના વિરોધ પ્રદર્શનમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ભરૂચ જિલ્લામાં નેતાઓ રાજકીય રસ ખાટવા માટે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. તાજેતરમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્રનું જાહેરનામું લાગુ છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે કોઈપણ રાજકીય કાર્યક્રમો કે કોઈપણ કાર્યક્રમો કરી શકાશે. નહીં છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ ભરૂચમાં પાંચબત્તી વિસ્તારમાં બંગાળની હુમલા અંગેની ઘટનાને વખોડવાના ભાગરૂપે પાંચબત્તીના જાહેર માર્ગ ઉપર જ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ કાર્યક્રમમાં પોલીસ કાફલો પણ તૈનાત કરાયો હતો.

પાંચબત્તી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન આ કાર્યક્રમથી ભરૂચવાસીઓને ફાયદો શું ? આ પ્રશ્ન લોકોમાં ઉદભવ્યો છે. સામાન્ય રીતે કોઇ વાહનચાલકનું માસ્ક નાક નીચે હોય તો પણ તેની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ પોલીસ વસૂલતી હોય છે અને કાયદાનું પાલન કરવા માટે આહવાન કરતી હોય છે, પરંતુ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના જ જાહેરનામાનું ઉલ્લંઘન રાજકીય નેતાઓ કરતા હોય અને જાહેરનામાનો ભંગ કરી કાર્યક્રમોમાં પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવતો હોય તો શું માત્ર કાયદો આમ જનતા માટે જ છે તેવા પ્રશ્ન લોકોમાં ઊભા થઈ રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે ભરૂચમાં 18 અને અંકલેશ્વરમાં 21 BJP આગેવાનોએ બંગાળ હિંસાનો પરવાનગી વગર વિરોધ કરી જાહેરનામાનો ભંગ કર્યો અને પોલીસ બંદોબસ્તમાં મૂકપ્રેક્ષક બની ઊભી રહી હતી.

Most Popular

To Top