સુરત: (Surat) આવતી કાલે રાહુલ ગાંધી (Rahul Gandhi) સુરત કોર્ટ (Surat Court) માં હાજરી આપવા આવશે. લગભગ સવારે 9:25 વાગ્યે તેઓ સુરત એરપોર્ટ પર આવશે. આશરે 10:30 વાગ્યે રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજરી આપશે. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. રાહુલ ગાંધીના આગમન પૂર્વે ગુજરાત કોંગ્રેસ (Congress) ના દિગ્ગજ નેતાઓ સુરત આવી પહોંચ્યા હતા. દરમ્યાન રાહુલ ગાંધી કોઈ રાજકીય કાર્યક્રમમાં શામેલ થશે તે અંગે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ઇનકાર કર્યો હતો. જણાવી દઈએ કે મોદી અટક પર ટિપ્પણી મામલે સુરત મોદી સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અગાઉ તેઓ ઓક્ટોબર 2019માં કોર્ટમાં હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે દરેક ચોરની અટક મોદી કેમ હોય છે. આ સંદર્ભે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. હાલમાં સુરતની ચીફ જ્યૂડિશિયલ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન તેઓ બીજી વાર સુરત આવશે. અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી.
રાહુલ ગાંધી કાલે કોર્ટમાં હાજર રહેવાના હોવાથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સુરત પહોંચી ગયા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓએ બુધવારે કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત આવવાના હોવાની શક્યતા વધુ હોવાથી સુરત કોંગ્રેસમાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરત ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં તેવો હાજરી આપશે. રાહુલ ગાંધી આ કેસમાં બીજી વખત સુરત આવી શકે છે.
આ અંગે અમિત ચાવડાએ જણાવ્યું કે કોરોના માહામારીમાં રાહુલ ગાંધીએ દેશની સરકારને આગોતરી ચેતવણી અને સૂચનો આપ્યા હતા, તેમ છતાં સરકારની નિષ્ફળતાઓનો ભોગ દેશના લોકો બન્યા. જનતા રાહુલ ગાંધી સાથે છે. આવનારા સમયમાં દેશને વિઝન વાળું નેતૃત્વની જરૂર છે. અને આ નેતૃત્વ રાહુલ ગાંધી પાસે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કોઈ રાજકીય કાર્યક્રમ માટે નથી આવી રહ્યા, સવારે આવીને લગભગ 12:30 વાગે પરત નીકળી જાય તેવી શક્યતા છે.