Dakshin Gujarat

વલસાડના નારગોલ પોર્ટને ગ્રીનફિલ્ડ તરીકે વિકસાવાશે, દક્ષિણ ગુજરાતને મળશે આ લાભ

ગાંધીનગર: (Gandhinagar) વલસાડ (Valsad) જિલ્લાના નારગોલ બંદરને 3800 કરોડના રોકાણ સાથે ગ્રીનફિલ્ડ પોર્ટ (Green Field Port) તરીકે વિકસાવવાની રાજય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ પોર્ટને પીપીપી મોડલ પર BOOT (બિલ્ડ, ઑન, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે વિકસાવાશે. જે માટે ગ્લોબલ બિડીંગ પ્રોસેસ દ્વારા પારદર્શી અને ફ્લેક્સિબલ પ્રક્રિયાથી પોર્ટ ડેવલપરની પસંદગી કરવામાં આવશે. નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ ડેવલપમેન્ટ માટે ૩૦ને બદલે પ૦ વર્ષનો BOOT પિરિયડ રાખવાનો ઊદ્યોગ સાનૂકુલ અભિગમ અપનાવ્યો છે.નારગોલ ગ્રિનફિલ્ડ પોર્ટમાં પ્રથમ ફેઇઝમાં રૂ. ૩૮૦૦ કરોડના સંભવિત રોકાણ સાથે આ પોર્ટ મલ્ટિફંકશનલ પોર્ટ તરીકે કાર્યરત થશે અને સોલિડ, લિક્વિડ તેમજ કન્ટેઇનર કાર્ગો હેન્ડલિંગ માટે સક્ષમ બનશે. આ પ્રથમ ફેઇઝમાં અંદાજે ૪૦ મિલિયન ટન કાર્ગો (Cargo) હેન્ડલિંગ ક્ષમતા આ પોર્ટ પર વિકસાવવાનું આયોજન છે.

નારગોલ પોર્ટ(બંદર) દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર (DMIC) અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર-ડી.એફ.આઇ.સી.ના રૂટ પરનું એક વ્યૂહાત્મક પોર્ટ છે. તેનો લાભ પણ લાંબાગાળે આ ગ્રીનફિલ્ડ પોર્ટને મળશે. વર્ષ ૨૦૨૫ સુધીમાં મુંબઈના જવાહરલાલ નહેરૂપોર્ટની કન્ટેઈનર હેન્ડલિંગ કેપેસિટીનો પૂર્ણ ઉપયોગ થઈ જવાની સંભાવના છે, પરિણામે આ નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉદ્યોગ ગૃહોની દરિયાઈ વેપારની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલી સૈદ્ધાંતિક મંજૂરી બાદ પોર્ટ લેડ ડેવલપમેન્ટ અન્વયે આવા મોટા પ્રોજેકટના કિસ્સામાં પ્રોજેકટ કાર્યરત થવામાં લાગતા લાંબા સમયને ધ્યાને રાખીને વર્લ્ડકલાસ ડેવલપર્સ પણ આ પોર્ટ ડેવલપમેન્ટ માટેના બિડીંગ પ્રોસેસમાં આકર્ષિત થશે તેવી સંભાવનાઓ પણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના કેચમેન્ટ વિસ્તારનો ૩૮ ટકા ગુજરાતમાં આવે છે. દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર DMICથી રાજ્યનો ૬ર ટકા વિસ્તાર લાભાન્વિત થવાનો છે ત્યારે આ ગ્રીનફિલ્ડ પોર્ટની સુવિધાઓનો વિકાસ થતાં આ પ્રોજેકટસના પરિણામે ઉભી થનારી કાર્ગો પરિવહન સંભાવનાઓ અને બંદર કાર્ગો પરિવહનની વધારાની માંગ સંતોષી શકાશે. આના પરિણામે દેશના કાર્ગો પરિવહનમાં ગુજરાતનો હાલનો ૪૦ ટકાનો શેર છે તેમાં પણ ઉત્તરોત્તર વધારો થશે. કેમિકલ અને ટેક્સ્ટાઈલ ક્ષેત્રની અનેક મોટી કંપનીઓના એકમ આ વિસ્તારમાં આવેલા છે તેમજ વાપી અને પારડી બે મહત્વના ઔદ્યોગિક ક્ષેત્રોના પરિણામે આ પોર્ટના વિકાસ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે. દક્ષિણ ગુજરાતમાં આવેલી પેપર અને સુગર મિલ્સના લીધે નારગોલ માટે આયાત-નિકાસનો ટ્રાફિક હેન્ડલ કરવાની વધારાની તકો પણ ઉભી થશે.

Most Popular

To Top