સુરત: (Surat) પાંડેસરા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં (Hospital) બે જોડિયા બાળકીના (Twins Baby) જન્મ બાદ ઓછું વજન હોવાથી નવી સિવિલમાં રીફર કરાઈ હતી. બંને બાળકીઓને એનઆઈસીયુમાં દાખલ કરી કેસ કાઢવાના બહાને પરિવાર નાસી ગયો હતો. પરિવાર ગાયબ થતાં હોસ્પિટલમાં ધમાચકડી મચી ગઈ હતી. જોકે બીજા દિવસે પરિવાર હાજર થઈ જતા તંત્રને રાહત થઈ હતી.
- બાળકીના પિતાને કેસ કાઢવા મોકલતા આખી રાત હોસ્પિટલમાં અટવાતા રહ્યા
- સવારે બાળકીનો પરિવાર હાજર થતાં તબીબોએ રાહતનો શ્વાસ લીધો
- એક બાળકીનું વજન 1.240 ગ્રામ અને બીજી બાળકીનું વજન 1.290 ગ્રામ હોવાથી ખાનગી હોસ્પિટલના તબીબે વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં જવા કહ્યું હતું
નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે રહેતી પુનમ ઉપાધ્યાયની પાંચ દિવસ પહેલા પાંડેસરા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ હતી. પુનમે બે જોડિયા બાળકીને જન્મ આપ્યો હતો. એક બાળકીનું વજન 1.240 ગ્રામ અને બીજી બાળકીનું વજન 1.290 ગ્રામ હોવાથી ખાનગી હોસ્પિટલના તબીબે વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં જવા કહ્યું હતું. જેથી પરિવાર બંને બાળકીઓને નવી સિવિલમાં લઈ જતા એનઆઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી.
તબીબોએ બાળકીઓની સારવાર શરૂ કરી પિતાને કેસ પેપર કઢાવવા મોકલી આપ્યા હતા. હોસ્પિટલમાં એનઆઇસીયુ વિભાગના દૂર અંતરે ટ્રોમા સેન્ટર વિભાગ કે જેમાં કેસ પેપર કઢાવવા પિતા અટવાઇ ગયા હતા. પરિવારે જણાવ્યું કે પિતા રાત સુધી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અટવાઇ ગયા હતા. બીજી તરફ કેસ પેપરની રાહ જોઇને બેઠેલા તબીબો સામે પરિવાર નહીં આવતા દોડતા થઈ ગયા હતા. હોસ્પિટલ તંત્રને બાળકીનો પરિવાર છોડીને જતો રહ્યો હોવાની શંકા ગઈ હતી. હોસ્પિટલ તંત્રએ આરએમઓને જાણ કરી હતી.અને હોસ્પિટલમાં ધમાચકડી મચી હતી. પરંતુ બીજા દિવસે સવારે 15 કલાક બાદ એનઆઇસીયુ વિભાગમાં બંને જોડિયા બાળકીના માતા-પિતા અને દાદી દોડી આવતા હોસ્પિટલમાં તબીબો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.