SURAT

‘તું કાલે છોકરીને લઈ હોટલમાં ગયો હતો’, કહી વેડરોડના વેપારીને યુવકે ધમકાવ્યો અને..

સુરત: શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતો વેપારી સોશ્યિલ મીડિયાથી પરિચયમાં આવેલી યુવતીને મળવા વેસુ વીઆઈપી રોડ ખાતે ઓમ આર્કેડ બિલ્ડિંગમાં આવેલી એટલાન્ટીસ હોટલમાં ગયો હતો. હોટલમાં ચેક ઈન માટે વેપારીએ આધાર કાર્ડ આપ્યો હતો. આ આધારકાર્ડની ડુપ્લીકેટની મદદથી નકલી પોલીસે વેપારીને ફોન કરી યુવતીની ફરિયાદને આધારે બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 3 લાખનો તોડ કર્યો હતો. જોકે બાદમાં ડુપ્લીકેટ પોલીસે વધુ 4 લાખની માંગણી કરતા વેપારીએ તેના મિત્રને વાત કરી હતી. જેથી બાદમાં પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી છટકું ગોઠવી ડુપ્લીકેટ પોલીસને ઝડપી પાડ્યો હતો.

વેડરોડ નીરુફાર્મની પાસે પ્રિયાપાર્ક સોસાયટીમાં રહેતા અને એમેઝોન તથા ફ્લીપકાર્ટ ઓનલાઈન એપ્લીકેશન મારફતે ઘર વપરાશની ચીજવસ્તુઓનો વેપાર કરતા નિલેશ દેવજીભાઈ અણઘણ (ઉં.વ.33) ગઈ તા 24 મીના રોજ સોશ્યીલ મીડીયા મારફતે પરિચયમાં આવેલી સંગીતા નામની યુવતીને લઈને વેસુ વીઆઈપીરોડ ઓમ આર્કેટ બિલ્ડિંગમાં આવેલ એટલાન્ટીસ હોટલમાં મળવા માટે ગયો હતો. નિલેશે હોટલમાં પુરાવા તરીકે પોતાનું આધારકાર્ડ આપ્યું હતું.

નિલેશ યુવતીને પંદર-વીસ મિનીટ મળી હોટલમાંથી નિકળી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે નિલેશ તેની કતારગામ આંબાતલાવડી અક્ષરધામ રોડ હાથી મંદિર ચાર રસ્તા ખાતે આવેલ ઓફિસમાં હતો. ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો ફોન કરનારે પોતાની ઓળખ ઉમરા પોલીસ સ્ટેશનના ડીસ્ટાફમાંથી દેવ પટેલ તરીકે આપી ગાળાગાળી કરી ‘તને બપોરનો શોધુ છું. તું ક્યા છે તને એરેસ્ટ કરવાનો છે તું ઉમરા પોલીસ સ્ટેશન આવે છે કે હું તને ત્યાં આવુ’ એમ કહેતા નિલેશ ગભરાઈ ગયો હતો અને મળવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.

ત્યાં દેવ પટેલ તેની પાસે આવી ‘તું નિલેશ અણઘણ છે, તારા આધારકાર્ડનો ફોટો મારી પાસેથી જેથી તને ઓળખી ગયો’ કહી મોબાઇલમાં આધારકાર્ડ બતાવ્યો હતો. પછી કહ્યું હતું કે, ‘તું 24 માર્ચના રોજ છોકરીને લઈને એટલાન્ટીસ હોટલમાં ગયો હતો. તે છોકરીએ તારા વિરૂધ્ધમાં છોકરીએ બળાત્કારની ફરિયાદફરિયાદ આપી છે, જેથી તને એરેસ્ટ કરવાનો છે, તારું આધારકાર્ડ મને ડિ સ્ટાફના પીએસઆઈએ આપ્યું છે.’

ધરપકડ કરવાની વાત કરતા નિલેશ ગભરાય ગયો હતો અને આનીકાની કરતા તેને નજીકમાં આગળ આવેલી ગલીમાં લઈ જઈ ‘મેટર પતાવવી હોય તો 3 લાખ આપવા પડશે નહીં આપે તો જેલમાં જવું પડશે’ તેમ કહી બે ત્રણ તમાચા મારી દીધા હતા. નિલેશ જેતે સમયે ખિસ્સામાંથી 10 હજાર અને બાકીના એટીએમમાંથી ઉપાડી 1.50 લાખ આપ્યા હતા અને બીજા દિવસે બાકીના 1.50 લાખ આપ્યા હતા. નિલેશનો મિત્ર ચીન જવાનો હોવાથી 84 હજાર ડોલરમાં કન્વર્ટ કરવા માટે આપેલા તે પૈસા તેમજ બાકીના ઘરમાંથી અને એટીએમમાંથી ઉપાડી આપ્યા હતા.

ત્યાર બાદ દેવ પટેલે 28મી માર્ચના રોજ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, ‘3 લાખ પીએસઆઈને આપ્યા હતા તે પીએસઆઈની બદલી થઈ ગઈ છે અને તારો કેસ નવા પીએસઆઇ પાસે આવ્યો છે તેણે મેટર પતાવવા માટે 4 લાખ માંગ્યા છે’ એમ કહ્યું હતું. આ વાત નિલેશે પોતાના મિત્રને કરી હતી. મિત્રએ પોલીસને જાણ કરવા સલાહ આપતા નિલેશ અને તેના મિત્રો પૈસા લઈને દેવને આપવા સીધા ઉમરા પોલીસ મથકમાં પહોંચી ગયા હતા. ત્યાં તપાસ કરતા દેવ નામનો કોઈ પોલીસ કર્મચારી નહીં હોવાની વિગત જાણવા મળી હતી.

બાદમાં પોલીસે નિલેશની આખી વાત જાણી તેની ફરિયાદ લઈ છટકું ગોઠવ્યું હતું. તે મુજબ દેવનો પૈસા માટે ફોન આવતા નિલેશ પોલીસ સાથે પૈસા લઈને તેને રેલવે સ્ટેશન ગયો હતો અને ત્યાંથી પોદાર આર્કેડથી આગળ કાપોદ્રા તરફ ઓવરબ્રીજ પાસે બોલાવ્યો હતો. ત્યાં પોલીસે નિલેશ પાસેથી પૈસા લેતા દેવ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે નિલેશની ફરિયાદ લઈ દેવ હિરેન પટેલ (ઉં.વ. 19, રહે. શ્રીજી ચરણ સોસાયટી, સુમુલડેરી રોડ, સુરત)ની ધરપકડ કરી હતી.

Most Popular

To Top