Gujarat

મંત્રીપદેથી પડતા મુકાયા બાદ ભાજપના આ ધારાસભ્યનો ભાજપના જ શાસન સામે વિરોધ

સુરત: (Surat) મંત્રીપદ પરથી નીચે ઉતરતા જ વરાછા વિધાનસભાના ધારાસભ્ય (MLA) કુમાર કાનાણીના રંગરૂપ બદલાયા છે. ગુજરાત (Gujarat) રાજ્યનું સમગ્ર મંત્રીમંડળમાં ફેરપલટો કરતાની સાથે જ કુમાર કાનાણીએ વરાછામાં ભાજપનો (BJP) વિરોધ છે તેવા નિવેદનો આપી પોતાની નારાજગી વ્યક્ત કરી દીધી હતી અને હવે ફરી એકવાર ભાજપ શાસનની કામગીરી સામે જ સવાલો ઉભા કરી તેઓ વિવાદમાં આવ્યા છે. 2 દિવસ પહેલા જ મનપાની ગાર્ડન સમિતિમાં ભેસ્તાન ગાર્ડનને 2.92 કરોડના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરવાના અંદાજ મંજૂર કરવામાં આવ્યા હતા. તેની સામે ભાજપના જ ધારાસભ્ય અને પુર્વ મંત્રી કુમાર કાનાણીએ વિરોધ ઉઠાવ્યો છે. તેઓએ મ્યુનિ.કમિ.ને લેખિતમાં રજૂઆત કરી પ્રશ્નો ઉઠાવ્યા છે કે, માત્ર 11 વર્ષમાં જ ગાર્ડનને કરોડોના ખર્ચે રિ-ડેવલપ કરવાની નોબત કેવી રીતે આવી શકે છે?

  • ભેસ્તાનના લેક ગાર્ડનને વારંવાર મરામત થઈ છે, છતાં ત્રણ કરોડનો ખર્ચ કરવાનો છે તો મારા વિસ્તારના મહારાણા પ્રતાપ ઉદ્યાનને પણ રિડેવલપ કરો: કુમાર કાનાણી
  • ભેસ્તાન લેક ગાર્ડનને 11 વર્ષમાં રિ-ડેવલપ કરવાની નોબત કેમ આવી? જવાબદાર કોણ?

કુમાર કાનાણીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, ભેસ્તાન ખાતે 11 વર્ષ પહેલા તૈયાર કરાયેલા લેક ગાર્ડનને કરોડો રૂપિયાના ખર્ચે રિ-ડેવલપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ લેક ગાર્ડન 11 વર્ષમાં જ રિ-ડેવલપ કરવાની નોબત શા માટે આવી? પાલિકાના ગાર્ડન હોય કે કોઈપણ મિલ્કત હોય, તેની જાળવણી અને સમારકામ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીએ છીએ, તો પછી આ લેક ગાર્ડનની હાલત આવી કેમ થઇ ગઈ કે ૩ કરોડના ખર્ચ તેને રિ-ડેવલપ કરવો પડે?

કોરોના કાળ દરમ્યાન આવેલ આર્થિક ભારણને કારણે મનપાની પરિસ્થિતિ સારી નથી, તો કરોડો રૂપિયાનો ખર્ચ રી-ડેવલપના કામ બેદરકારીને કારણે કરવા પડે તે કેટલું વ્યાજબી છે? આમાં જવાબદાર કોણ છે? તે સવાલ ઉભો થાય છે અને મારા વિસ્તાર વરાછામાં આવેલ મહારાણા પ્રતાપ ઉદ્યાન (ચોપાટી)ને પણ રિ-ડેવલપ કરવું પડે તેમ છે, તો તેનો વિચાર કેમ કરવામાં નથી આવતો? હું માંગણી કરું છું કે ભેસ્તાનનો ગાર્ડન રિ-ડેવલપ થાય તો વરાછાના ગાર્ડનને પણ રિ-ડેવલપ કરો. કુમાર કાનાણી દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતની પાછળનો સૂર ભાજપમાં ચાલી રહેલી માથાકૂટનો અણસાર આપી રહ્યું છે.

Most Popular

To Top