SURAT

સુરતમાં પાંચ સીનિયરો કપાયાની ચર્ચા સાથે ભાજપના સંભવિત 11 ઉમેદવારની યાદી ફરતી થઈ

સુરત(Surat) : ગુજરાત વિધાનસભાની ચુંટણીનો (Gujarat Assemblye Election) જંગ જમાવટ પકડી રહ્યો છે. કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવી રહી છે. પરંતુ ભાજપ (BJP) દ્વારા હજુ સુધી ઉમેદવારો જાહેર કરાયા નથી. આ વખતે ભાજપમાં ચુંટણી લડવા માટે મોટા ભાગની બેઠકો પર દાવેદારોનો રાફડો ફાટયો છે અને ભારે લોબિંગ ચાલી રહ્યું હોવાથી મોદી અને અમીત શાહ (Amit Shah) દ્વારા સીધું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ સંજોગોમાં ભાજપ દ્વારા હજુ સુધી એકપણ ઉમેદવાર જાહેર કરાયો નથી. જો કે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની (BJP Parliamentary Board) મીટિંગ થઇ ચૂકી છે અને આવતી કાલે રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતના ઉમેદવારો પર આખરી મહોર લાગનાર છે. પરંતુ તે પહેલા જ સુરતની 11 બેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા હોવાની સાથે સંભવિતોની યાદી પણ ફરતી થઈ જતાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

  • કેટલાક મંત્રીઓ કપાશે, એક પૂર્વ સનદી અધિકારીને પણ ટિકીટ મળવાની સંભાવના
  • મનપાના એક પદાધિકારીનું નામ પણ ટિકીટ મળે તેની ચર્ચામાં, ભાજપના એક સંગઠનના હોદ્દેદારનું પણ નામ ચર્ચામાં

બિનસત્તાવાર રીતે ફરતી થયેલી યાદીમાં અપસેટ સર્જાય તેવા નિર્ણયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ખાસ કરીને કેટલાક મંત્રીઓની ટિકીટ આ વખતે કપાવાની સંભાવના છે. તેના સ્થાને મનપાના પદાધિકારીને ટિકીટ મળશે તેવી ચર્ચા ચાલી રહી છે. આ જ રીતે એક બેઠક પર વર્તમાન ધારાસભ્યને પડતા મુકીને પૂર્વ સનદી અધિકારીને ટિકિટ મળે તેવી સંભાવના છે. જિલ્લા ભાજપ સંગઠનના એક અગ્રણીની પણ ટિકીટ ફાઈનલ થયાની ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત સુરતના છેવાડાની મનાતી અને જેમનો પુત્ર વારંવાર વિવાદોમાં આવ્યો છે તેવા વર્તમાન ધારાસભ્યની બેઠક પર તેમની ટિકીટ કાપીને સૌરાષ્ટ્રના એક ધર્મસ્થાન સાથે સંકળાયેલા આગેવાનને ટિકીટ મળે તેવી સંભાવના છે.

સૌરાષ્ટ્રવાસીઓમાં જે બેઠક માટે ભારે ઉત્તેજના હોય છે તેવી એક બેઠક પર વર્તમાન ધારાસભ્યની ટિકીટ કાપીને અન્ય આપવામાં બે ઉમેદવારો વચ્ચે કશ્મકશ ચાલી રહી છે. સૌરાષ્ટ્રવાસીની જ મનાતી એક બેઠક પરથી મંત્રી પણ કપાઈ રહ્યાની ચર્ચા છે. આ યાદીના કારણે જે ઘણા કાર્યકરોમાં આનંદનો માહોલ તો ઘણા કાર્યકરોમાં ઉચાટની લાગણી જોવા મળી હતી. જો કે ખરૂં ચિત્ર સત્તાવાર યાદી આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

Most Popular

To Top