SURAT

વેપારીએ જેવા બેંકમાં પૈસા ભર્યા, ઠગે તરત જ 71 હજાર ઉપાડી ખાતું ખાલી કરી નાખ્યું

સુરત: (Surat) પાંડેસરામાં વેપારીને (Trader) ઠગબાજોએ વાતોમાં ભેળવી દઇને તેનું એટીએમ કાર્ડ (ATM Card) બદલી નાંખ્યું હતું, એટીએમ કાર્ડમાંથી ઠગબાજોએ (Trickster) 40 હજાર ઉપાડ્યા હતા, આ ઉપરાંત અઠવાલાઇન્સના ધીરજસન્સમાંથી ખરીદી કરી તેમજ પેટ્રોલ પણ પુરાવ્યું હતું. જે અંગે પાંડેસરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વડોદ ગામ ક્રિષ્ના નગરમાં રહેતા વેપારી વિશ્વનાથ રામચંદ્ર મિશ્રા (ઉ.વ.૫૦) એસએચપીએલ કંપનીમાં નેટવર્કિંગ માર્કેટીંગના કામ સાથે સંકળાયેલા છે. તેઓ 15 દિવસ પહેલા પાંડેસરા બાટલીબોટના સ્ટેટબેંકના એટીએમમાં રૂપિયા ડિપોઝિટ કરવા માટે ગયા હતા. ત્યાં બે શખ્સો આવ્યા હતા. જેમાંથી એક શખ્સે કેમેરા સામે જોવાનું કહ્યું અને બીજાએ વાતો કરીને મશીનમાંથી સ્લીપ કાઢી હતી તે આપીને ચાલ્યા ગયા હતા. બીજીવાર મશીનમાં ડિપોઝિટ માટે એટીએમ કાર્ડ નાંખ્યું હતું પરંતુ બોક્સ ખુલ્યું જ ન હતું. ત્રણ વાર પ્રયત્ન કર્યા બાદ વિશ્વનાથએ પાંડેસરાની એસબીઆઇ બેંકમાં જઇને રૂા. 40 હજાર સ્લીપથી જમા કરાવ્યા હતા. ત્યારબાદ તેઓએ તેમના પુત્ર સૌરભને ફોન કરીને સાઇન ઇન્ડિયા સોલ્યુસન કંપનીના કિશનભાઇના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. પરંતુ તેમના ખાતામાં માત્ર 20 હજાર જ ટ્રાન્સફર થયા હતા.

તેઓએ તપાસ કરતા એકાઉન્ટમાં માત્ર રૂા. 32.55 જ બેલેન્સ હતું. વિશ્વનાથના પુત્ર સૌરભે નેટબેંકીગથી તપાસ કરતા 10 હજારના ચાર ટ્રાન્ઝેકશન થયા હતા, આ ઉપરાંત પાંડેસરામાંથી 10200 સ્વાઇપ કરાયા હતા, દક્ષેશ્વર મંદિર પાસેના શક્તિ પેટ્રોલપંપમાંથી રૂા. 1228, ધીરજ સન્સમાંથી 5000, 5400ની ખરીદી કરવામાં આવી હતી અને ઉધના ત્રણ રસ્તા પાસે આવેલા પેટ્રોલપંપના એટીએમ મશીનમાંથી 7000 સ્વાઇપ કર્યા હતા અને બાકીના રૂા. 2600 રાજેન્દ્ર શાહના ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા. ઠગબાજોએ કુલ્લે રૂા. 71428ની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. સૌરભે એટીએમ કાર્ડની તપાસ કરતા તેમાં સમીમ નામનો એકાઉન્ટધારકનો કાર્ડ હતો.

ટેક્સટાઇલના વેપારીઓની પાસેથી બેંગ્લોરના 3 વેપારીઓએ માલ મંગાવી કરી છેતરપિંડી

સુરત : સુરતના ટેક્સટાઇલના વેપારીઓની પાસેથી બેંગ્લોરના 3 વેપારીઓએ રૂા. 12 લાખની કિંમતનો કાપડનો માલ મંગાવીને પેમેન્ટ આપ્યું ન હતું. જે અંગે બેંગ્લોરના ત્રણ વેપારીઓ સામે ઠગાઇનો ગુનો નોંધાયો હતો. સારોલી મોડેલ ટાઉન રેસીડેન્સીમાં રહેતા શિવશંકર મોતીલાલ દાગા ટેક્ષટોન પ્રા.લી નામે દુકાન ધરાવે છે. તેઓની પાસેથી બેંગ્લોરના હલ્લી જીલ્લાના નાગરવાડા ઈઝીકેલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બેંઇગસ્ટર પ્રા.લી.ના વેપારી તારીખખાન, સંજયકુમાર જૈન તેમજ નાઝીયા સરીખ માલગોવકરે મિત્રતા કરીને રૂા. 12.15 લાખની કિંમતનો કાપડનો માલ મંગાવ્યો હતો. ત્યારબાદ શિવશંકરએ વારંવાર રૂપિયાની માંગણી કરતા ત્રણેય વેપારીઓએ શિવશંકરના મારી નાંખવાની ધમકી આપી હતી. ઠગાઇ થતા જ શિવશંકરે ત્રણેયની સામે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપી હતી.

Most Popular

To Top