સુરત: સુરતના (Surat) સરથાણા (Sarthana) ખાતે ઈલેક્ટ્રિક બાઈકમાં (electric bike) આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. ઘરની બહાર ચાર્જિંગમાં (Charging) મૂકેલી ઈલેક્ટ્રિક બાઈકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ રહીશોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આગમાં ઈલેક્ટ્રિક બાઈક બળીને ખાખ થઈ ગયું હતું.
પાર્કિંગ મૂકેલી ઈલેક્ટ્રિક બાઈક બળીને ખાખ
મળતી માહિતી અનુસાર સરથાણા શાંતિવન રો હાઉસ વિભાગ-2 પાસે રહેતા સંજયભાઈ વેકરીયાએ વહેલી સવારે પોતાની ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગમાં મૂકી હતી. અને ત્યારબાદ અચાનક જ ઇલેક્ટ્રિક બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. પડોશી ઈલેક્ટ્રિક બાઈક સળગતા જોયું ત્યારે બૂમાબૂમ કરી મૂકી હતી અને સંજયભાઈ અને તેમના પરિવારને ઊંઘમાંથી જગાડ્યા હતા. આગ લાગતા જ અફરાતફરી મચી જવા પામી હતી. જોત જોતામાં બાઈકમાં આગ લાગ્યા બાદ પાર્કિંગમાં આગ પ્રસરી હતી. જેને લઈને સોસાયટીના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.
મેટરપેટીમાં સુધી આગ પ્રસરી
આ બનાવ અંગે સોસાયટીમાંથી કોઈ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોચે તે પહેલા જ રહીશોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આગમાં ઇલેક્ટ્રિક બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઈ હતી. આ સિવાય આગ મીટર પેટી સુધી પ્રસરી હોવાનું જાણવા મળી રહ્યું હતું. જો કે પરિવારે ઈલેક્ટ્રિક બાઇકને પાર્કિંગમાં મૂકી હતી ચાર્જ કરવા તેથી વધુ નુકસાન થયું ન હતું.
બેટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ કયાકારણો સર લાગી તે અંગે તો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. જો કે પ્રાથમિક તપાસમાં ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.