સુરત : સુરત એરપોર્ટનો (Surat Airport) રનવે વિમાનોની સતત અવરજવર માટે કેટલો સક્ષમ છે એની તપાસ માટે સુરતની SVNIT પાસે રિપોર્ટની માંગ કરવામાં આવી હતી. 2016 માં SVNIT ની ટીમે રિપોર્ટ આપ્યો હતો કે સુરત એરપોર્ટના હયાત રનવેની બંને તરફની બેઝિક રનવે સ્ટ્રીપ (મુખ્ય રાનવેની બંને તરફના સોલ્ડર) સ્ટેબિલાઇઝેશન કરવા અને સ્ટ્રેન્થનિંગ કરવાનો રિપોર્ટ આપ્યો હતો.
- સુરત એરપોર્ટની બેઝિક એર સ્ટ્રીપ મજબૂત બનાવવા 2016 માં SVNIT એ રિપોર્ટ આપ્યો છતાં 2022 સુધી કશું થયું નહીં
- સપ્ટેમ્બર 2021માં ટેન્ડર એવોર્ડ લેવલે પહોંચ્યા પછી કેન્સલ કરી દેવાયો
રનવેની નજીકની જમીન કપાસની કાળી માટીવાળી હોવાથી ચોમાસામાં ફૂલી જતી હોવાનો અને ઉનાળામાં તિરાડ પડતી હોવાનો SVNIT એ અભિપ્રાય આપ્યો હતો
અને એવું કારણ આપ્યું હતું કે, અહીંની જમીન કપાસની કાળી માટીવાળી છે અને ચોમાસા દરમિયાન જમીન ફૂલી જાય છે, જ્યારે ઉનાળામાં તેમાં તિરાડ પડે છે. રનવેની લંબાઈ 2,905 મીટર અને પહોળાઈ 45 મીટર છે. રનવેની લંબાઇની બંને બાજુનો એરસ્ટ્રીપ વિસ્તાર 140 મીટર પહોળો છે અને રનવેના પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુથી વિસ્તાર 60 મીટર પહોળાઈ છે. 2016 ના આ એહવાલ પર 2021 માં કામ એવોર્ડ થયાં પછી ટેક્નિકલ કારણોનો હવાલો આપી રદ કરવામાં આવ્યો હતો, પણ હવે જ્યારે 2022 પૂર્ણ થવાને આરે છે ત્યારે પણ આ કામ પ્રાયોરિટીમાં લેવાયું નથી. સુરત એરપોર્ટ પર પેરેલલ ટેક્સિ ટ્રેક અને વિમાન પાર્કિંગના કામો રનવે ઓપરેશનલ એરિયામાં ચાલી રહ્યાં છે ત્યારે સુરત એરપોર્ટથી ફ્લાઈટ સંખ્યા ઘટી છે ત્યારે આ કામ પણ સાથે થઈ જવું જોઈતું હતું. જેથી ફ્લાઈટ સંખ્યા વધે પછી એરક્રાફ્ટ ઓપરેશન માટે કોઈ નવો અવરોધ ઊભો નહીં થાય.
2021માં સુરત એરપોર્ટના મુખ્ય રનવેની બંને તરફની એરસ્ટ્રીપ સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને મજબૂત કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT)ના પ્રોફેસર અમિત સોલંકી કે, જેઓ રનવે સ્ટ્રીપનો અભ્યાસ હાથ ધરનારી ટીમનાં નિષ્ણાતો પૈકીના એક હતા, તેમણે ત્યારે જણાવ્યું હતું કે, અમે ચૂનો અને પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગ સાથે એરસ્ટ્રીપ વિકસાવવા માટે અમારો રિપોર્ટ સબમિટ કર્યો છે. જો એરક્રાફ્ટ એરસ્ટ્રીપમાં પ્રવેશ કરે છે, તો તે માટીની નબળી શક્તિને કારણે નુકસાન થઈ શકે છે. અમે સૂચવ્યું હતું કે રનવેની બંને બાજુએ 150 મિલીમીટરથી વધુ એરસ્ટ્રીપ ખોદવી જોઈએ અને ચૂનો અને સ્ટીલના સ્લેગના ઉપયોગને કારણે તે CBR મૂલ્યના ધોરણો મુજબ તેની મજબૂતાઈ મેળી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઈ-ટેન્ડરિંગ દ્વારા, વડોદરાની એડ્રોઈટ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ પ્રાઈવેટ લિમિટેડને ઓક્ટોબર 2021માં રનવે સ્ટ્રીપના ગ્રાઉન્ડ ઈમ્પ્રૂવમેન્ટ અને સ્ટેબિલાઈઝેશન માટેનું કામ આપવામાં આવ્યું હતું. આ કામ 20.80 કરોડમાં ફાળવવામાં આવ્યું હતું. પણ કોઈ ટેક્નિકલ કારણોસર આ કામ રદ કરી દેવામાં આવ્યું હતું. અને રિટેન્ડર ઈશ્યુ કરવાની જાહેરાત એરપોર્ટ ઓથોરિટીએ કરી હતી.
એ વખતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO)ની ભલામણો અને સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ (CAR) અનુસાર સુરત એરપોર્ટ સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને તેની એરસ્ટ્રીપને મજબૂત બનાવશે, એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. ICAO મુજબ, કોડ C એરપોર્ટ પર મૂળભૂત સ્ટ્રીપ 140 મીટર પહોળી હોવી જોઈએ, ઓછામાં ઓછા 15 ટકા કેલિફોર્નિયા બેરિંગ રેશિયો (CBR) – સબગ્રેડ માટીની મજબૂતાઈ – ટોચની જમીનથી 150 મિલીમીટરની ઊંડાઈ સાથે સારી રીતે ગ્રેડ કરેલો વિસ્તાર હોવો જોઈએ. જેથી એરક્રાફ્ટ રનવે પરથી બહાર નીકળે તો કટોકટીની પરિસ્થિતિઓમાં તેની સલામતી સુનિશ્ચિત કરવા માટે સીબીઆર મૂલ્યને જરૂરી સ્તરે વધારવા માટે મૂળભૂત પટ્ટીના સ્થિરીકરણનું કાર્ય હાથ ધરવામાં આવનાર હતું. જે 5 વર્ષે પણ થયું નથી.
જે કામો પીટીટી, એપ્રન સાથે થવા જોઈએ એ હજી થયાં નથી
સરકારી તંત્રમાં જેમ પહેલા નવો રોડ બને પછી ગટર કે પાણીની લાઇન માટે ખાડો ખોદાય કંઈક એવો જ કારભાર સુરત એરપોર્ટ પર ચાલી રહ્યોં છે. અત્યારે પેરેલલ ટેક્સિ ટ્રેક (પીટીટી), પાર્કિંગ-એપ્રનનાં કામની સાથે રનવે સ્ટેબિલાઇઝેશન અને સ્ટ્રેનન્ધનિંગનું કામ પણ ચાલવું જોઈતું હતું ત્યારે સુરત એરપોર્ટના 353 કરોડના 3 પ્રોજેક્ટને લીધે એર કનેક્ટિવિટી ઓછી થઈ છે. ફ્લાઈટ સંખ્યા ઓછી ત્યારે આ પ્રકારના કામો થઈ જવા જોઈતા હતાં પણ હવે આ કામ માટે ફરી ટેન્ડર ઇસ્યુ થશે. અને કાર્ય શરૂ થાય ત્યાં સુધી ચોમાસુ આવી જશે. એવી જ રીતે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (આઈએલએસ) ની હર્ટ ઊંચી કરવાનું કામ પણ બાકી છે. ચોમાસામાં અહીં પાણી ભરાતું હોવાથી ILS ની હર્ટ ઊંચી કરવાનું ઓથોરિટીએ નક્કી કર્યું હતું. આ કામ પણ હવે નવા વર્ષે એવોર્ડ થાય એવી શક્યતા છે. પાયલટ ઇન્સ્ટ્રુમેન્ટ એપ્રોચ અને વિઝ્યુઅલ એપ્રોચથી ફ્લાઈટ લેન્ડ કરતાં હોય છે. એ માટે ILS ની લાઈટ જરૂરી છે. ILS ની હર્ટ ઊંચી થયાં પછી કેલિબ્રેશન વર્ક થશે. ત્યારે આ કામ પણ વિકાસના કામો જોડે એક સાથે થવા જોઈએ જેથી ફ્લાઈટ સંખ્યા વધે ત્યારે આવા કામો અવરોધરૂપ ન રહે.