SURAT

બોલો, એરપોર્ટ ઓથોરિટીએ સુરતમાં નવાના બદલે જૂના રન-વેનો સર્વે કરી દીધો!, વેસુની ઈમારતો ફરી સકંટમાં..

સુરત: ભવિષ્યમાં સુરત એરપોર્ટના (Surat Airport) વિસ્તરીત રનવે (Run Way) અને દોઢ કિમી દૂર બનનારા પેરેલલ રનવેને નડતરરૂપ નવા બિલ્ડિંગ (Building) ઊભા નહીં થાય અને બહુમજલી ઇમારતોમાં ફ્લેટ ખરીદનારાઓ છેતરાય નહીં, તથા બિલ્ડિંગની એનઓસી (NOC) મુજબની ઊંચાઈ મળે એ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Airport Authority Of India) દ્વારા ઓએલએસ (OLS) સર્વે કરાવવામાં આવે છે. તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સુભાષચંદ્ર, મનોજકુમાર શાંક અને શુભમ દધિચ દ્વારા સુરત એરપોર્ટ ઉપર તારીખ 4/1/2022 થી તા.13/1/2022 દરમિયાન ઓએલએસ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં (Survey) એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફરી ભાંગરો વાટયો છે.

ઓએલએસ સર્વે 3810 ને બદલે જુના 2905 મીટરના રનવે મુજબ કરતાં વિવાદ (Controversy) સર્જાયો છે. AAI એ 2905 મીટરનો હયાત રનવે 3810 મીટરનો કરવા અને એટલો જ પેરેલલ રનવે બનાવવા જમીન સંપાદનની કાર્યવાહી કરાવી હતી. હવે જુના રનવે 2905 મીટર મુજબ સર્વે કરાવતા બિલ્ડિંગની ઊંચાઈની મંજૂરી લેવા માટે ફરી સમસ્યાઓ ઊભી થશે. કારણકે,સરકારે 18 ડિસેમ્બર 2020માં પ્રસિદ્ધ કરેલા ગેઝેટમાં સુરતનો હયાત 2905 મીટરનો રનવે 3810 મીટરનો કરવા અને તેને સમાંતર 3810 મીટરનો બીજો રનવે બનાવવા પેરા મીટર લખવામાં આવ્યા છે.

ખુડાની ડીપી અને ટીપીમાં પણ હયાત રનવે વિસ્તરણ સાથે 3810 મીટરનો કરવા અને 3810 મીટરનો પેરેલલ રનવે બનાવવા જમીનો પર રિઝર્વેશન મુકવામાં આવ્યું છે. 2016માં સુડાનો માસ્ટર પ્લાન-2035 જાહેર થયો એમાં પણ આ જોગવાઈ છે. નોકાસની મંજૂરી બંને રનવેને ધ્યાન રાખી આપવામાં આવતી હતી પરંતુ, 2022માં એરપોર્ટ ઓથોરિટીએ સર્વે 2905 મીટરના હયાત રનવેને દયાને રાખી કરતા બાંધકામની ઊંચાઈના પ્રશ્નો ઊભાં થશે. સુરત એરપોર્ટ ઓબ્સ્ટેકલ લિમિટેડ સર્વે 2022 માં બંને એરસ્ટ્રીપ્સનું સર્વેક્ષણ 3810 મીટર મુજબ કરવું જરૂરી હતું. પરંતુ ઈરાદાપૂર્વક 04/22ની માત્ર એક જ હવાઈ પટ્ટી 2905 મીટરનો જ સર્વે કરી રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવ્યો હોવાનો ખુલાસો આરટીઆઇ (RTI) અરજી થકી મળ્યો છે. નવાઇની વાત એ છે કે સર્વે કરનાર ટીમે નડતરરૂપ બાંધકામોની સ્થળ સ્થિતિનો અભ્યાસ કર્યા વિના આ રિપોર્ટ આપ્યો હોય શકે છે.

મહત્વની વાત એ છે કે 18/12/2020 ના રોજ, ઉડ્ડયન મંત્રાલયે એક ગેઝેટ બહાર પાડ્યું હતું જેમાં સુરત એરપોર્ટની સમાંતર અને તાજેતરમાં ઉપયોગમાં લેવાતી બંને એરસ્ટ્રીપ્સને અધિકૃત કરવામાં આવી હતી. તેમ છતાં સર્વે 2905 મીટરના હયાત રનવે પૂરતો જ શામાટે કરાયો? શા માટે AAI વારંવાર OLS માં ભૂલો કરે છે! શું આ ઈરાદાપૂર્વક કરવામાં આવી રહ્યું છે? ,

2905 મીટર મુજબ બાંધકામની એનઑસી અપાયા પછી 3810 મીટરનો રનવે બનશે તો બાંધકામોનું શુ થશે?
2007 થી 2016 દરમિયાન ઓબ્સ્ટેકલ લિમિટેડ સર્વે (OLS) કરવામાં નહીં આવતા 100 જેટલી બિલ્ડિંગના બાંધકામ નડતરરૂપ ઇમારતોની યાદીમાં આવ્યા હતા. હવે હયાત અને સમાંતર રનવે 3810 મીટરનો બનાવવાની દરખાસ્ત છે ત્યારે કોના ફાયદા માટે કે કોને નુકસાન પહોંચાડવા માટે આ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો છે.આ પ્રકારના ખોટા નિર્ણયથી બાંધકામની ઊંચાઈ નિયમ મુજબ મેળવવા માંગતા ડેવલોપર્સને અન્યાય થઈ શકે છે.

Most Popular

To Top