સુરત: (Surat) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) (સીબીઆઈ)ની જુદીજુદી ટીમોએ આજે સુરતના મગદલ્લા, દહેજ અને મુંબઈમાં આવેલી એબીજી શિપયાર્ડની (ABG Shipyard) ઓફિસો અને શિપ બિલ્ડીંગ યાર્ડમાં દરોડા પાડી ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. સીબીઆઈની ટીમે આજ મામલે ગોવામાં કંપનીની બીજી કંપની અને યાર્ડ વેસ્ટર્ન ઇન્ડિયા શિપ યાર્ડમાં પણ કાર્યવાહી કરી છે. રાષ્ટ્રીયકૃત બેંકોની (Bank) કરોડોની ધિરાણની રકમ વિદેશ ટ્રાન્સફર કરવાના કૌભાંડમાં સીબીઆઈએ આજે સુરત, દહેજ, મુંબઇ અને ગોવામાં દરોડા પાડ્યા હતાં.
- એબીજી શિપયાર્ડ કેસ:રાષ્ટ્રીયકૃત બેંકોની કરોડોની ધિરાણની રકમ વિદેશ ટ્રાન્સફર કરવાના કૌભાંડમાં સીબીઆઈના સુરત, દહેજ, મુંબઇ અને ગોવામાં દરોડા.
- ડઝનથી વધુ બેંકો સાથે 22,842 કરોડની ઠગાઈ, સ્ટેટ બેંકના 2925 લેવાના બાકી. સુરત, દહેજમાં સરફેસી એકટની કાર્યવાહી
કંપનીએ ડઝનથી વધુ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો સાથે 22,842 કરોડની ઠગાઈ કરી છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જ 2925 લેવાના બાકી છે. કંપની સામે બેંકોના નાણાંની રિકવરી માટે સુરત અને ભરૂચ જિલ્લાના દહેજમાં સરફેસી એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.સીબીઆઈના સુત્રોએ જણાવ્યું હતું કે, એબીજી શિપયાર્ડના ડિરેક્ટર્સ ઋષિ અગ્રવાલ , સંથનમ મુથુસ્વામી અને અશ્વિની અગ્રવાલે જુદી – જુદી બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી છે.
ABG શિપયાર્ડ અને તેની ફ્લેગશિપ કંપની જહાજોના નિર્માણ અને તેને રિપેરિંગ કરવાનું કામકાજ કરે છે. કંપનીના શિપયાર્ડ ગોવા ઉપરાંત ગુજરાતના દહેજ અને સુરતમાં આવેલા છે. SBIએ આ કેસમાં સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી છે.એ મુજબ કંપનીએ બેંક પાસેથી 2925 કરોડ રૂપિયાની લોન લીધી હતી . જ્યારે ICICI બેંક પાસેથી 7089 કરોડ , IDBI બેંક પાસેથી 3634 કરોડ , બેંક ઑફ બરોડા પાસેથી 1614 કરોડ , પંજાબ નેશનલ બેંક પાસેથી 1244 અને ઇન્ડિયન ઑવરસિઝ બેંક પાસેથી 1228 કરોડ રૂપિયાની લોન લઈ માલિકો ગાયબ થઈ ગયા છે.આ મામલો એનસીએલટી સમક્ષ પણ લિકવિડેશનમાં ગયો હતો. અર્નેસ્ટ એન્ડ યંગના 16 જાન્યુઆરી 2019ના રિપોર્ટનું ઑડટ જણાવે છે કે કંપનીના પ્રમોટર્સ એવા આરોપીઓએ ષડયંત્ર રચીને કરોડો રૂપિયા વિદેશ અને અન્ય ઠેકાણે ટ્રાન્સફર કરી ગંભીર ગુનાહિત ગેરરીતિ આચરી છે.
CBI દ્વારા હવે જપ્ત કરવામાં આવેલા શંકાસ્પદ દસ્તાવેજો ચકાસવામાં આવી રહ્યાં છે.ઉદ્યોગ જગતના સૂત્રોના જણાવ્યાં મુજબ બેંકો સાથે થયેલું આ કૌભાંડ નિરવ મોદી,મેહુલ ચોકસી,લલિત મોદી,વિજય માલ્યા,સાંડેસરા ગ્રુપ કરતા પણ મોટું છે.ભારતના બેન્કિંગ ઇતિહાસના આ સૌથી મોટા કૌભાંડમાં સીબીઆઈની ટીમે હવે કાર્યવાહી કરી છે.એબીજી ગ્રુપ હજીરા અને જામનગરમાં પોર્ટ,રિફાઇનરી ધરાવનાર કોર્પોરેટ ગ્રુપના સંબંધી ગણાય છે.