આમ આદમી પાર્ટીના સુરતના 5 કોર્પોરેટરોએ ભગવો ધારણ કર્યો, હર્ષ સંઘવીએ સ્વાગત કર્યું

આમ આદમીનો (Aam Adami Party) ગઢ ગણાતા સુરતમાં મોટું ગાબડું પડ્યું છે. આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ (Corporators) આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને શુક્રવારે કેસરીયો ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને રૂતા દૂધાતરા ભાજપમાં (BJP) જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે આજે તમામ આપ નેતાઓને વિધિવત પક્ષમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપ યુવા મોર્ચા પ્રમુખ ઋત્વિજ પટેલ પણ સામેલ થયા હતા. તેમણે આપના કોર્પોરેટરને (Corporator) ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું.

જણાવી દઈએ કે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કાઉન્સિલરો ચૂંટાયા હતા. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની મોટી જીતે રાજ્યમાં ભાજપ માટે પણ મોટો અપસેટ સર્જ્યો હતો. હવે પાંચ કોર્પોરેટરો આપમાં જોડાયા બાદ આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે પૈસાની લાલચથી કોર્પોરેટરો ભાજપમાં જોડાયાં છે. વિપુલ મોવલિયા કોર્પોરેટરોને ભ્રમિત કરીને ભાજપમાં લઈ ગયો છે. કોર્પોરેટરો પર દબાણ કરવામાં આવતું હતું. સી.આર.પાટીલના બે મળતીયાઓએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પૈસા આપ્યાં હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

બીજી તરફ ભાજપ આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોને અનેક પ્રકારની લાલચ આપી ભાજપમાં જોડાવા માટે બોલાવી રહી હોવાનો આક્ષેપ સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા આપ પાર્ટીના કોર્પોરેટરોને ખરીદવા માટે લાલચ આપી રહ્યા હોવાના ફોન આવતા હોવાનો ખુલાસો કર્યો હતો. આમ આદમી પાર્ટીના એક પુરુષ કોર્પોરેટર અને બે મહિલા કોર્પોરેટરો પર એક જ વ્યક્તિના નંબર પરથી ફોન કરવામાં આવ્યો હતો. ત્રણેય કોર્પોરેટરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ જવા માટે લાલચ આપવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

બીજી તરફ ભાજપમાં જોડાયેલા આપના કોર્પોરેટરોએ પણ વળતા પ્રહાર કર્યા છે. ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર રૂતા દૂધાતરાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ મારા પર અત્યાચાર કર્યો છે. કોર્પોરેટર ભાવના સોલંકીએ કહ્યું કે ચૂંટણી પહેલાં અમારામાં આમ આદમી પાર્ટી પ્રત્યે ઉત્સાહ હતો પણ દલિત અને ST સમાજના કાર્યકરો સાથે ભેદભાવ ભર્યું વર્તન થાય છે. 

Most Popular

To Top