સુરતના સુવાલી બીચ પર 9 જાન્યુઆરીથી શરૂ થયેલા સુવાલી બીચ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. આ ફેસ્ટિવલ 11 જાન્યુઆરી સુધી યોજાશે. પહેલાં દિવસે સાંજના સમયે દીપ પ્રગટાવટ અને રંગબેરંગી કાર્યક્રમો સાથે ઉત્સવની શાનદાર શરૂઆત કરવામાં આવી હતી.
- સુવાલી બીચ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ, પ્રથમ દિવસે હજારો સુરતીઓ ઉમટ્યા
આ બીચ ફેસ્ટિવલમાં વિવિધ શાળાના નાના બાળકો થી લઈને યુવતીઓ અને મહિલાઓએ મનમોહક ગરબા તથા સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરી હાજર દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પરંપરાગત અને આધુનિક સંસ્કૃતિનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.
ફેસ્ટિવલના પ્રથમ જ દિવસે આશરે 1000થી વધુ સુરતીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પરિવાર સાથે આવેલા નાગરિકો, યુવાનો અને બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ સુવાલી બીચ ફેસ્ટિવલને વિશેષ આકર્ષક બનાવવામાં ઓસમાણ મીર અને તેના પુત્ર આમિર મીરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જેમણે ફેસ્ટિવલની શાન વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
લોકગાયક ઓસમાણ મીર અને તેમના પુત્ર આમિર મીરે સ્ટેજ પર આવતાની સાથે જ સંગીતની અદ્ભુત રમઝટ બોલાવી હતી. ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વના અવસરને વધાવવા માટે ઓસમાણ મીરે જ્યારે ‘શિવ તાંડવ સ્તોત્ર’ની પ્રસ્તુતિ કરી, ત્યારે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. પિતા-પુત્રની આ જોડીએ વિવિધ લોકગીતો અને પ્રાચીન-અર્વાચીન ગીતો ગાઈને હજારોની મેદનીને મોડી રાત સુધી ઝુમાવી હતી
ફેસ્ટિવલમાં મનોરંજન સાથે સાથે ખાણી-પીણી માટે પણ વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. સ્થાનિક વાનગીઓથી લઈને ફાસ્ટ ફૂડ સુધીના સ્ટોલ લોકોને ખાસ આકર્ષી રહ્યા છે.
પ્રથમ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના કલેક્ટર, સાંસદ મુકેશ દલાલ, તેમજ વિવિધ રાજકીય નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા ફેસ્ટિવલની વ્યવસ્થા અને આયોજનને વખાણવામાં આવ્યું હતું.
સુવાલી બીચ ફેસ્ટિવલ સુરતીઓ માટે મનોરંજન, સંસ્કૃતિ અને પરિવાર સાથે આનંદ માણવાનો ઉત્તમ અવસર બની રહ્યો છે.
સુંવાલી બીચ ફેસ્ટિવલ ગ્રામજનો માટે રોજગારીનું કેન્દ્ર બનશે
સાંસદ મુકેશ દલાલે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત કુદરતી સંપત્તિથી સમૃદ્ધ છે અને સુવાલીના દરિયાકિનારાને ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ સુવિધાઓ સાથે વિકસાવવા માટે રાજ્ય સરકાર પૂરી તાકાત લગાવી રહી છે. આ સ્થળ માત્ર પ્રવાસીઓ માટે હરવા-ફરવાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સ્થાનિક ગ્રામજનો માટે રોજગારીનું પણ મોટું માધ્યમ બનશે. ધારાસભ્ય સંદિપ દેસાઈએ ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુરતની વધતી વસ્તીને ધ્યાને રાખીને પ્રવાસન સુવિધાઓ વધારવામાં આવી રહી છે.