ગાંધીનગર: રાજ્યમાં આજે GPSC વર્ગ 1-2ની પ્રિલિમનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. GPSC વર્ગ 1-2ના પરીક્ષા પેપરમાં ભૂલ નીકળતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. પરંતુ GPSCના ચેરમેન દિનેશ દાસાએ (Chairman Dinesh Dasa) તાત્કાલિક પગંલા લેતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી અને વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ પરીક્ષા આપી હતી.
રાજ્યમાં 32 જિલ્લાઓમાં 758 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 1 લાખ 99 હજાર 669 ઉમેદવારો પરીક્ષા આપી હતી. પરંતુ પરીક્ષાના પેપરમાં ભૂલ જોવા મળતા વિદ્યાર્થીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પરીક્ષાનાં પેપરમાં સમયગાળો ઓછો છપાતાં વિદ્યાર્થીઓ ટેશનમાં આવી ગયા હતા. પરીક્ષાનો સમયગાળો 180 મિનીટના બદલે 120 મિનીટનો ભૂલથી છપાયો હતો. પરંતુ આ ભૂલ અંગેની જાણ GPSCના ચેરમેન દિનેશ દાસા ને થતા તરત જ એક્શનમાં આવ્યા હતા અને ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, ટાઈપોગ્રાફી એરરને કારણે પરીક્ષાના સમયગાળામાં ભૂલ જોવા મળી છે. અને પરીક્ષા કેન્દ્રોને આ એરર અંગે જાણ કરી દેવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે GPSC વર્ગ 1-2ની પ્રિલિમસ રાજ્યના 32 જિલ્લાના 785 કેન્દ્રો પર છેલ્લા એક કલાકથી શાંતિ અને સોહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે શરૂ થઈ છે. અને તમામ પરીક્ષા કેન્દ્રો પર આની સૂચના અપાય ગઈ છે.
પરીક્ષા કેન્દ્રો પર કડક વ્યવસ્થા કરાઈ
ઉલ્લેખનીય છે કે હાલમાં જ હેડ કલાર્કની ભરતીના પેપર લીક કાંડને લઈને સરકાર એલર્ટ બની છે. ત્યારે આ પરીક્ષામાં પણ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજી તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીનું એલાન થતાં પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી હતી. આચારસંહિતા પૂર્ણ થતાં આજે પરીક્ષા લેવામાં આવી હતી.
GPSC દ્વારા હાલ નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 01 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્ય વેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ થઈને કલાસ 1 અને 2ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.