કપડવંજ : ગુજરાત રાજ્યની સરકાર શિક્ષણ પાછળ અઢળક ખર્ચ કરી રહી છે. પરંતુ તે ક્યાં કરી રહી છે ? તે સમજાતું નથી. કપડવંજ તાલુકાના અંકલઇ ગામે આવેલી પ્રાથમિક શાળાના વર્ગખંડના તમામ ધાબાઓમાંથી ચોમાસાને લઈને પાણી પડી રહ્યું છે. જેને કારણે બાળકોના શિક્ષણ ઉપર અસર થઈ રહી છે અને શિક્ષકોની ભણાવવાની ગતિમાં અવરોધ ઊભા થઈ રહ્યા છે. ભણશે ગુજરાત, ગણશે ગુજરાતના નારા લગાવતી સરકાર મોટા પ્રવેશોત્સવ યોજે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારની શાળામાં માળાકીય સુવિધાઓનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે.
અંકલઇ પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં પાણી ટપકી રહ્યું છે. આ ઉપરાંત ફ્લોરિંગ પણ બેસી ગયા છે, ત્રણ વર્ગખંડની ઘટ છે. કપડવંજ તાલુકાના અંકલઈ પ્રાથમિક શાળામાં કુલ નવ ઓરડા છે. ચાર ઓરડા બિલકુલ બિસ્માર હાલતમાં છે અને બાકીના પાંચ ઓરડામાં દરેકમાં પાણી પડે છે. ફ્લોરિંગ પણ તૂટી ગયેલા છે. ચાર ઓરડા પાડવાની દરખાસ્ત પણ મોકલેલી છે, જે મંજૂર પણ થઈ ગઈ છે. આ શાળામાં કુલ 162 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ માટેનો સેનિટેશન વિભાગ પણ તૂટી ગયો છે. જેથી સેનિટેશન માટેની પણ તાતી જરૂરિયાત છે. આ ઉપરાંત બાળકો માટેના મધ્યાન ભોજન યોજનાનું ભોજન જ્યાં બનાવાઈ રહ્યું છે, તે યુનિટમાં પણ પાણી ટપટી રહ્યું છે. તેથી ત્યાં પણ શેડ બનાવવાની તાતી જરૂરિયાત ઊભી થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ડેમેજ વર્ગને રીપેર કરવા માટેની મંજૂરી વર્ષ 2019-20માં મળી છે. પરંતુ ત્યાર પછી આગળ કોઈ જ પ્રકારની કાર્યવાહી થયેલ દેખાતી નથી. આ પ્રાથમિક શાળામાં ચાર સારા વર્ગખંડ છે. જેમાં રીપેરીંગની ગ્રાન્ટ પણ મંજૂર થઇ છે ? પણ ગ્રાન્ટ હજુ સુધી ફાળવવામાં આવેલ નથી. વર્ગખંડો ખરાબ હોવાથી બાળકો બહાર બેસી આ ચોમાસાની ઋતુમાં તકલીફો સાથે અભ્યાસ કરી રહ્યા છે.