સુરત: સુરત શહેરમાં રખડતાં શ્વાનનો આતંક અટકવાનું નામ લેતો નથી. રોજ શ્વાનના હુમલાનો અનેક નિર્દોષ નાગરિકો, બાળકો ભોગ બની રહ્યાં છે. હવે તો સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ રખડતાં શ્વાનનો ત્રાસ વધી ગયો છે. આવી જ એક ઘટના આજે શુક્રવારે સવારે ઉમરપાડામાં બની છે.
ઉમરપાડાના ગોવાતગામમાં રખડતા શ્વાને કાકી ભત્રીજા પર એટેક કર્યો હોવાની વિગતો સામે આવી છે. શ્વાને કાકી સાથે જતા માસૂમ બાળકના મોઢા પર બચકું ભરતાં ભાગદોડ મચી ગઇ હતી. આજે વહેલી સવારે બનેલી ઘટના બાદ અઢી વર્ષના માસુમ બાળકને તત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરો પણ ઇજાગ્રસ્ત બાળક ને જોઈ ચોકી ગયા હતા. કાકી સાથે દુકાન પર બિસ્કિટ લેવા જઈ રહ્યો હતો ત્યારે બાળક પર શ્વાને હુમલો કર્યો હતો.
પરિવારે જણાવ્યું હતું કે ઘટના આજે સવારે બની હતી. અઢી વર્ષનો માસુમ સક્ષમ સંજય વસાવા પોતાની કાકી સાથે ઘર નજીક દુકાન ઉપર બિસ્કિટ લેવા ગયા હતો. ત્યારે અચાનક એક રખડતા શ્વાને પહેલા માસુમની કાકી સુનીતા (ઉં.વ.22) ઉપર એટેક કર્યો હતો. ત્યારબાદ કાકીના મોંઢા પર બાચકાં ભરી હાથમાં ઉપાડેલા માસુમ સક્ષમને પણ આંખ અને મોઢા પર બાચકા ભર્યા હતા. વહેલી સવારે શ્વાન એટેકને લઈ લોકો ભેગા થઈ ગયા હતા. શ્વાનને પથ્થર અને દંડા વડે મારી ભગાડી કાકી-ભત્રીજાને બચાવી લેવાયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે બંન્ને ને મોંઢા ઉપર જ ગંભીર રીતે ઇજા થઇ હતી. શ્વાને મોંઢા ઉપર હોઠની બાજુનો ભાગ ફાડી નાખ્યો હતો. તાત્કાલિક બન્નેને ઝંખવાવ સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા માસુમને સુરત સિવિલ રીફર કરી દેવાયો હતો. હાલ માસુમ બાળકને સર્જરી વિભાગના ડોક્ટરો સારવાર આપી રહ્યા છે. માસુમ સક્ષમ ને આંખ ઉપર ઇજા થઇ હોવાથી આંખના ડોક્ટરોને પણ બોલાવવામાં આવ્યા છે.