સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સોમવારે નકલી પોલીસ અસલી પોલીસનો રોફ મારી ઘૂસવા જતાં એમનો ભાંડો ફૂટ્યો હતો. બાદ પોલીસે પૂછતાછ હાથ ધરતાં પોતે નકલી પોલીસનો ડ્રેસ પહેર્યો હોવાનું ખુદ કબૂલ્યું હતું. સુરતથી 5-6 યુવાન વડોદરા કામ અર્થે આવ્યા હતા. સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવાની વાતથી અજાણ કામ પૂર્ણ થતાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા.
એસ.આર.પી. 18 ગ્રુપ પોલીસે એમને અંદર ઘૂસવા ન દેતાં એ યુવાનો પૈકીના અમિત સિંગે પોલીસનો નકલી ડ્રેસ પહેરી પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસની પૂછતાછમાં અંતે એણે પોતે પોલીસ ન હોવાનું કબૂલ્યું હતું. કેવડિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કેવડિયા ડી.વાય.એસ.પી. વાણી દુધાતે જણાવ્યું હતું કે, વાગડિયા નજીક એસ.આર.પી. 18ના જવાનો વાહન ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે કાર રોકી ચેકિંગ હાથ ધર્યું હતું. એ કારમાં 4-5 યુવાનમાંથી એક યુવાન પોલીસનો ડ્રેસ પહેરીને બેઠો હતો. એની પાસે આઈકાર્ડ માંગ્યું હતું એ ન આપતાં એની પર શંકા ગઈ હતી. એ બાદ એની સાથે અન્ય યુવાનોએ પોલીસને કહ્યું હતું કે, એણે નકલી ડ્રેસ પહેર્યો છે. આ મામલે 5 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી મોબાઈલ અને કાર જપ્ત કર્યાં છે.
ફેસબુક પર ફોટા પાડી રોફ જમાવવા યુવાને પોલીસનો ડ્રેસ ખરીદ્યો
અમિત સિંગ ઉર્ફે રાજા સોનુ સિંગે સુરતની એક દુકાનમાંથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોટા પાડી રોફ જમાવવા માટે પોલીસનો ડ્રેસ ખરીદ્યો હતો. અગાઉ સુરતના પાંડેસરામાં પણ એની વિરુદ્ધ પોલીસની ખોટી ઓળખ આપવા બદલ ગુનો નોંધાયો છે. અમિત સિંગ પાંડેસરામાં એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.