નડિયાદ: નડિયાદ એસટી ડિવિઝનની મોટા ભાગની બસ વડાપ્રધાનના દાહોદ ખાતેના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવતાં અનેક ટ્રીપ કેન્સલ કરવામાં આવી હતી. જેના કારણે ખાનગી વાહન ચાલકોએ મુસાફરોને લૂંટવામાં કોઇ કસર છોડી ન હતી. નિયમિત અપડાઉન કરતા મુસાફરો પાસેથી બેથી ત્રણ ગણા ભાડા વસુલી રિતસર લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત ખચોખચ મુસાફરો ભરીને તેમના જીવ પણ જોખમમાં મુક્યાં હતાં. પ્રધાનમંત્રીના દાહોદ ખાતેના ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના વિવિધ એસ.ટી ડેપોમાંથી અસંખ્ય બસો ફાળવવામાં આવી હતી.
જે અંતર્ગત નડિયાદ એસટી ડિવીઝન હેઠળ આવતાં તમામ ડેપોમાંથી મોટાભાગની બસ મંગળવારથી ફાળવી દેવામાં આવી હતી. જેના કારણે બુધવારના રોજ અસંખ્ય ટ્રીપ રદ્દ કરવામાં આવી હતી. જેને પગલે એસટી બસમાં મુસાફરી કરતાં મુસાફરો રઝળી પડ્યાં હતાં. કેટલાક મુસાફરોને એસ.ટી બસમથકોમાં કલાકો સુધી રાહ જોવા છતાં પણ બસ ન મળતી હોવાથી ભરતાપમાં મુશ્કેલીમાં મુકાઇ ગયાં હતાં. તંત્રના અણઘણ આયોજનને પગલે મુસાફરોને અસહ્ય મોંઘવારી વચ્ચે ખાનગી વાહનોમાં મોંઘી અને જોખમી મુસાફરી ખેડવાની ફરજ પડી હતી. આ બાબતે એસટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરૂવારથી એસ.ટી બસ રાબેતા મુજબ દોડતી થઈ જશે.
ડાકોરમાં દર્શનાર્થે આવેલાં શ્રધ્ધાળુ ફસાયાં
અમદાવાદના એક વૃધ્ધ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના દર્શનાર્થે ડાકોર આવ્યાં હતાં. દર્શન કર્યાં બાદ તેઓ પરત અમદાવાદ જવા માટે ડાકોર બસમથક પહોંચ્યાં હતાં. જ્યાં કલાકો સુધી રાહ જોવા છતાં તેઓને અમદાવાદની એકપણ બસ મળી ન હતી. જેથી રોષે ભરાયેલાં વૃધ્ધે એસ.ટી તંત્ર, રાજ્ય સરકાર તેમજ પ્રધાનમંત્રી ઉપર આકરાં પ્રહાર કર્યાં હતાં. આ ઉપરાંત એસ.ટી બસના અભાવે અનેક શ્રધ્ધાળુઓને ઘરે પરત ફરવામાં મુશ્કેલી પડી હતી.