સુરત: ગુજરાત શિક્ષણ બોર્ડની (GSEB) પરીક્ષાના (Exam) પરિણામો (Result) આવી ગયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (Science) અને ધોરણ 10ના (SSC) પરિણામ બાદ આજે તા. 31મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું (std12commerce) પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું 80.78 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A-1 અને A-2માં ડંકો વગાડ્યો છે.
ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A-1માં 603 અને A-2માં 4502 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 80.78 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A-1માં 603 અને A-2માં 4502 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. આ સાથે B-1માં 7233, B-2માં 9136, C-1માં 9783, C-2માં 6822, Dમાં 1080 અને Eમાં 9 વિદ્યાર્થી છે.
માર્ચ 2023ની સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યનાં 482 કેન્દ્રો ઉપર લેવામાં આવી હતી. જેમાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમાંથી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 % ટકા આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા રિપિટર ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયા હતા, તે પૈકી 28,321 પરીક્ષા આપી હતી. જેમાં 11,205 ઉમેદવાર પાસ થયા છે. આમ રિપિટર ઉમેદવારોનું પરિણામ 39.56% ટકા આવ્યું છે.
કોરોનામાં પિતાને ગુમાવનાર નીતિશા 96.86 ટકા સાથે ટોપર
કોરોનામાં પિતાને ગુમાવનાર દીકરીએ સુરત શહેરમાં ટોપ કર્યું છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલમાં અભ્યાસ કરતી નીતિશા પટેલે સમગ્ર શહેરમાં સૌથી વધુ 96.86 ટકા મેળવ્યા છે. જોકે, સ્કૂલ સંચાલકોએ નીતિશાએ ગુજરાતમાં ટોપ કર્યું હોવાનો દાવો કર્યો છે.
આટલું સરસ રિઝલ્ટ લાવનાર નીતિશાની સફર આસાન નહોતી. બે વર્ષ અગાઉ કોરોનામાં નીતિશાએ પિતાને ગુમાવ્યા હતા, ત્યાર બાદ પણ હિંમત હાર્યા વિના તેણીએ ધો. 12 બોર્ડની પરીક્ષાની ધગશથી તૈયારી કરી હતી. તેની માતા વર્ષાબેન આશા વર્કર છે. ઓછી આવકમાં પણ માતાએ દીકરીને ભણાવવામાં કોઈ કસર રાખી નહોતી. વર્ષાબેને આશાદીપ સ્કૂલના શિક્ષકો, ટ્રસ્ટીઓનો વિશેષ આભાર માન્યો હતો.
શાકભાજીની લારીવાળાનો પુત્ર 94.71 ટકા સાથે પાસ થયો
જેને ભણવું હોય તે કોઈ પણ વિકટ સ્થિતિમાં પણ ભણી જ લેતા હોય છે. તેનું ઉત્તમ ઉદાહરણ સુરતનો પ્રદીપ છે. શાકભાજીનો વેપાર કરતા વેપારીના પુત્ર પ્રદીપે 94 ટકા સાથે A-1 ગ્રેડ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. પ્રદીપે કહ્યું, ગરીબ માતા-પિતા ભણતરનું મહત્ત્વ સમજે છે તેથી જ માતાપિતાએ મને ખૂબ સહકાર આપ્યો છે. પિતાએ પેટે પાટા બાંધીને ભણાવ્યો છે. આથી જ સારું પરિણામ લાવવા રોજ સાતથી આઠ કલાક મહેનત કરતો હતો. તેનું આજે રિઝલ્ટ મળ્યું છે.