જયપુર : આઇપીએલમાં (IPL) અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં યશસ્વી જયસ્વાલની 43 બોલમાં 77 રનની ઇનિંગ ઉપરાંત અંતિમ ઓવરોમાં ધ્રુવ જુરેલની 15 બોલમાં 34 અને દેવદત્ત પડ્ડીકલની 13 બોલમાં 27 રનની ઇનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે (RR) 5 વિકેટે 202 રન કરીને મૂકેલા 203 રનના લક્ષ્યાંક સામે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) 6 વિકેટે 170 રન સુધી જ પહોંચતાં રાજસ્થાન રોયલ્સનો 32 રને વિજય થયો હતો.
લક્ષ્યાંક આંબવા મેદાને ઉતરેલી ચેન્નાઇ સુપર કિંગ્સના ઓપનર ડેવોન કોન્વે અને ઋતુરાજ ગાયકવાડ 10મી ઓવરમાં 69 રનના સ્કોરે આઉટ થઇ ગયા પછી 4 રનના ઉમેરામાં વધુ બે વિકેટ પડવાથી સીએસકેનો સ્કોર 4 વિકેટે 73 રન થયો હતો. શિવમ દુબેએ મોઇન અલી સાથે 51 રનની અને જાડેજા સાથે 46 રનની ભાગીદારી થઇ હતી. સીએસકે 20 ઓવરમાં 6 વિકેટે 170 રન સુધી જ પહોંચી શક્યું હતું.
ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કરનાર રાજસ્થાન રોયલ્સને જયસ્વાલ અને બટલરની જોડીએ મજબૂત શરૂઆત અપાવી હતી. બટલર થોડો ધીમો રહ્યો હતો અને તે 21 બોલમાં 27 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 8.2 ઓવરમાં 86 રન હતો.જયસ્વાલ 43 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 13.5 ઓવરમાં 3 વિકેટે 132 રન હતો. અંતિમ ઓવરોમાં જુરેલ અને પડ્ડીકલે ફટકાબાજી કરીને ટીમના સ્કોરને 200 પાર પહોંચાડ્યો હતો.