સીએમ ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં હવે દક્ષિણ ગુજરાતનો દબદબો વધી ગયો છે. જેના પગલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું પણ હાઈકમાન્ડ સમક્ષ વજન વધી ગયું છે.પહેલા રૂપાણી સરકારમાં એકલા કુમાર કાનાણી જ સુરતના મંત્રી હતી. જ્યારે રૂપાણી સરકાર આઉટ થયા પછી પાટીલનો પણ હાથ ઊંચો રહ્યો છે. પાટીલના રાજકિય વજનના કારણે સુરતને વધુ મંત્રીઓ મળ્યા છે.
રાજ્યના ગૃહ મંત્રી તરીકે હર્ષ સંઘવી (મજૂરા) બનશે, તેવો મેસેજ તેમના મત વિસ્તારમાં ફરતો હતો, જો કે તે આજે સાચો પડ્યો છે. હર્ષ સંઘવી ઉપરાંત પૂર્ણેશ મોદીને પણ કેબીનેટમાં સમાવવામાં આવ્યા છે. આમ તો પૂર્ણેશ મોદી સી.આર.ની છાવણીના ગણાતા નથી, એવુ મનાય છે કે તેમના માટે ટેક્સટાઈલ મંત્રી દર્શનાબેન જરદોષે પીએમઓ તેમજ ભાજપના હાઈકમાન્ડના બે નિરીક્ષકો સમક્ષ ભારપૂર્વક રજૂઆત સાથે ભલામણ કરી હતી.
આ ઉપરાંત ઓલપાડના મુકેશ પટેલ અને કતારગામના વિનુ મોરડિયાને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી પારડીના કનુભાઈ દેસાઈ, ગણદેવીના નરેશ પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીને પણ મંત્રી બનાવાયા છે.
સુરતના પૂર્ણેશ મોદીને કેબીનેટમાં સમાવીને હાઈકમાન્ડે પણ સત્તાની વહેંચણીમાં પણ બેલેન્સ કર્યું છે.સુરતના પૂર્ણેશ મોદીને કેબીનેટમાં સમાવીને હાઈકમાન્ડે પણ સત્તાની વહેંચણીમાં પણ બેલેન્સ કર્યુ છે. ભાજપના બે પૂર્વ શહેર પ્રમુખો આ કેબીનેટમાં આવ્યા છે. જેમાં સુરતમાં પૂર્ણેશ મોદી સુરત શહેર ભાજપના પ્રમુખ રહી ચૂકયા છે. જ્યારે અમદાવાદમાં શહેર ભાજપના પ્રમુખ તરીકે જગદીશ પંચાલ પણ રહી ચૂકયા છે.
અગાઉ સરકારમાં વહીવટી બાબતોનો અનુભવ હોય તેવા મંત્રીઓમાં રાજેન્દ્ર ત્રિવેદી, રાઘવજી પટેલ અને કિરીટસિંહ રાણાનો સમાવેશ થાય છે. નવા મંત્રી મંડળમાં ભરૂચને સ્થાન મળ્યું નથી. ભરૂચના દુષ્યન્ત પટેલનું નામ ચર્ચામાં હતું. જ્યારે કચ્છમાંથી ડૉ.નીમાબેન પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કચ્છમાંથી કોઈને પણ મંત્રી બનાવાયા નથી. જ્યારે નડિયાદના પંકજ દેસાઈને પાર્ટીના વિધાનસભા પક્ષના દંડક બનાવાયા છે