Entertainment

સોનુ સુદ, વિલન બન ગયા હીરો…!

કોરોનાના સમયમાં જેની સૌથી વધુ ચર્ચા થઈ તેમાં એક તે રિયા ચક્રવર્તીની અને બીજી સોનુ સુદની. રીયાની ચર્ચા કેમ થઈ તે ચર્ચવા વિના અહીં ચાલશે પણ સોનુની ચર્ચા તો કરોના કાળના રિયલ સ્ટાર તરીકે થઈ. ફિલ્મોના સ્ટાર્સ યા નિર્માતા કે દિગ્દર્શકો ક્યારેક સરકારી દબાણથી તો ક્યારેક સાચી માનવીય લાગણીથી અમુક તમુક લાખ રૂપિયાનું દાન કરતા હોય છે. આવા નામોમાં અમિતાભ બચ્ચન, અક્ષયકુમારથી માંડી સલમાનખાન જેવા પણ આવે. પરંતુ તેઓ લોકો વચ્ચે સીધા જઈ મદદરૂપ નથી થતા. સ્ટાર્સ હોય તેમના માટે એવું કરવું જોખમી પણ હોય છે.

પરંતુ સોનુ સુદ, સ્વરા ભાસ્કર જેવા સીધા લોકો વચ્ચે જઈ માત્ર આર્થિક મદદ કરવાથી આગળ જઈ તેમની વ્યવહારુ મુસીબત ઉકેલવામાં પણ સાથે રહ્યા. સોનુ સુદને ફિલ્મોમાં સામાન્યપણે ખલનાયકીની ભૂમિકા મળે છે. કોરોના સમયના કાર્યએ તેને હીરો બનાવી દીધો પણ શું તેનાથી તેને હીરો તરીકે ફિલ્મો મળતી થઈ? અત્યારે સાદો ઉત્તર છે. ‘ના’. આમ બનવા પાછળ બે-ત્રણ કારણો કહી શકાય. પહેલું મોટું કારણ કે એ કોરોના માટે સ્થળ પર જઈ મદદ કરવામાં વધારે રોકાયેલો રહ્યો. એટલે ફિલ્મવાળા તેને કઈ રીતે લે? ને બીજું કારણ એ કે નવી ફિલ્મો જ અનાઉન્સ નથી થતી. છતાં કહેવું જોઈએ કે હજુ કોઈ નિર્માતાએ તેને હીરો બનાવવા વિચાર નથી કર્યો.

સોનુ સુદ શરૂઆતથી જ હિન્દી ઉપરાંત તેલુંગુ, તમિલ ફિલ્મોમાં કામ કરે છે અને આન્ધ્રપ્રદેશ સરકારે તેને બેસ્ટ વિલનનો નાંદી એવોર્ડ પણ આપ્યો છે. હા, તેલુગુ બ્લોકબસ્ટર ‘અરુંધતી’માં તે સહાયક અભિનેતા તરીકે ખૂબ પ્રશંસા પામ્યો હતો. પણ ‘દબંગ’ ફિલ્મમાં સલમાન સામે નેગેટીવ રોલમાં તે ખૂબ ચર્ચાયેલો અને તે કારણે ખલનાયક તરીકે વધુ એસ્ટાબ્લિશ થતો ગયો. તમે તેને ‘યુવા’, ‘અશોક’, ‘જોધા અકબર’, ‘હેપી ન્યુ યર’, ‘સિમ્બા’ માટે પણ યાદ કરી શકો. અત્યારે તેની પાસે ‘પૃથ્વીરાજ’ ફિલ્મ છે અને તેમાં અક્ષયકુમાર, સંજય દત્ત, આશુતોષ રાણા છે તો સોનુની ભૂમિકા શું હશે? એક વાત નક્કી છે કે હવે તેને ખલનાયકીમાં બંધ કરી શકાય તેમ નથી. ને આ સિવાય તેની પાસે ચારેક તલુગુ અને એક તમિલ ફિલ્મ છે. મતલબ કે હજુ પણ તેને હિન્દી ફિલ્મો મર્યાદિત રીતે જ મળે છે. સોનુને આ વાતનું દુ:ખ છે પણ આ વિશે શું કહેવું? સોનુને આ 15-16 મહિનામાં ફિલ્મના કામ માટે નહીં આ માનવસેવાના કામ માટે એવોર્ડ મળ્યા છે.

સોનુ મૂળ પંજાબનો છે તો એ શક્ય છે કે તેણે લોકોમાં ઊભી કરેલી સારી ઈમેજને કારણે પંજાબની ચૂંટણીમાં રાજકીય પ્રવેશ મળે. જોકે એ માટે સોનુ પોતે તૈયાર છે કે નહીં તે જૂદો પ્રશ્ન છે. સોનુ પોતાને અભિનેતા તરીકે જાળવવા માંગે છે કારણ કે તેમાં મળેલી ઈમેજ જ તેને સેવાકાર્ય કરવામાં મદદ કરી છે. સોનાલી નામની તેલુગુ સ્ત્રીને પરણેલો સોનુ પોતાને મુંબઈ અને દક્ષિણ સાથે વધુ જોડાયેલો અનુભવે છે. તેના સેવાકાર્યના અનેક કિસ્સા ભલે ચર્ચાતા હોય તે પોતાના પાત્રો વડે ચર્ચાવા ઈચ્છે છે. પરંતુ હા, સેવાકાર્યોએ તેનામાં નવી નાગરિક જવાબદારી જરૂર જગાડી છે. ફિલ્મો ભલે તેને વિલન રાખે, તે ‘હીરો’ જેવા કામ કરતો રહેશે.

Most Popular

To Top