National

EDએ સોનિયા ગાંધીની બીજા રાઉન્ડની પૂછપરછ શરુ કરી

નવી દિલ્હી: કોંગ્રેસ(Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) નેશનલ હેરાલ્ડ કેસ(Nation Herald Case)માં બીજા રાઉન્ડની પૂછપરછ માટે મંગળવારે ED ઓફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી(Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) પણ તેમની સાથે હતા. જોકે, પ્રિયંકા ગાંધી તેમની સાથે ED ઓફિસ ગયા હતા. સોનિયા ગાંધીની તબિયતને ધ્યાનમાં રાખીને, તેમની સાથે એક વ્યક્તિને ED ઓફિસની અંદર જવા દેવાની મંજુરી આપી છે. છેલ્લી સુનાવણીમાં પણ પ્રિયંકા ગાંધી પોતાની માતા સાથે EDની ઓફિસે ગયા હતા.

EDએ 3 કલાકમાં 30 સવાલ કર્યા
લંચ પહેલા EDએ આજે ​​લગભગ ત્રણ કલાક સુધી સોનિયાની પૂછપરછ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન EDએ સોનિયાને 30 થી વધુ સવાલો પૂછ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની EDની પૂછપરછનો બીજો રાઉન્ડ લંચ બાદ ફરી શરૂ થયો છે. જો કે પૂછપરછ દરમિયાન તેઓને સાથે રહેવા દેવામાં આવ્યા ન હતા. બીજી તરફ, દિલ્હી પોલીસે કોંગ્રેસને રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે કોંગ્રેસ કાર્યાલય પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ કેસ 2016માં જ બંધ થઈ ગયો હતો: અજય માકન
કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું કે અમે રાજઘાટ પર સત્યાગ્રહ કરવા માગતા હતા. પરંતુ ભાજપ અમને સત્યાગ્રહ કરવા દેતું નથી. તેમણે નેશનલ હેરાલ્ડ વિશે કહ્યું કે આ કેસ 2016માં પણ પૂરો થઈ ગયો હતો. EDએ તેને બંધ કરી દીધું હતું. પરંતુ સરકારે તેને ફરીથી ખોલી દીધો છે. અજય માકને આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓને પણ પાર્ટી ઓફિસમાં પ્રવેશવા દેવામાં નથી આવી રહ્યા. સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સત્યાગ્રહ કરી રહ્યા છે.

જો બીજેપીના લોકો હોત તો તેઓએ આગચંપી કરી હોત, અમે શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છીએ: ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે આજે રાજઘાટ પર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો બીજેપીના લોકો હોત તો તેઓ આગચંપી કરી દેત, અમે શાંતિથી વિરોધ કરી રહ્યા છીએ. જો આજે વિરોધ થયો હોત તો વાહનવ્યવહારમાં કોઈ અડચણ ઊભી થઈ ન હોત. અમારા પોતાના પક્ષના મુખ્યાલયની અંદર પ્રવેશ બંધ છે. દેશનો દરેક નાગરિક ડરી ગયો છે. સોનિયાજીને વારંવાર ફોન કરે છે… તમે શું પૂછો છો? તમે તેમને કેમ નિશાન બનાવી રહ્યા છો?

કોંગ્રેસનો સત્યાગ્રહ ડ્રામાઃ સંબિત પાત્રા
બીજેપી નેતા સંબિત પાત્રાએ સોનિયા ગાંધીની EDની પૂછપરછ પર કોંગ્રેસનાં હોબાળા પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે સોનિયા ગાંધીને પ્રશ્ન ન કરવો જોઈએ? સત્યાગ્રહના નામે દરેક જગ્યાએ વાહનવ્યવહાર રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. વિરોધ કરવાની જરૂર નથી પણ કબૂલાતની જરૂર છે. આ 5 હજાર કરોડની ઉચાપત છે. કોંગ્રેસના મોટા વકીલો આ કેસને પૂરો કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, પરંતુ કોર્ટે કેસને રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

Most Popular

To Top