વ્યારા: આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ તાપી (Tapi) જિલ્લાની છેવાડાની શાળાઓ સુધી વિકાસ પહોંચ્યો નથી. શાળાનાં ઓરડા તો આરસીસીનાં દેખાય છે પણ આદિવાસી અત્યંત ગરીબ કહી શકાય તેવા બાળકોને શિક્ષણ પુરૂ પાડતી સોનગઢ (Songadh) તાલુકાની ચીમેરની પ્રાથમિક શાળામાં (Chimer Prathmik School) આવવા-જવા માટેનો કોઇ રસ્તો જ નથી.
આ પ્રાથમિક શાળાની નજીકથી ચીમેર ધોધ જવા માટેનો રસ્તો પસાર થાય છે. ગામની પ્રાથમિક શાળા ગામના મુખ્ય રસ્તાની બાજુમાં આવેલી છે. તે મુખ્ય રસ્તો પણ કાદવ કિચડ વાળો છે. રસ્તાની બાજુમાં અને શાળાની વચ્ચે ખાનગી માલિકીનાં ખેતરો આવેલા છે. જે ખેતરમાંથી ચોમાસામાં તો શાળામાં જવાતું નથી. તેથી પગદંડી રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. જો ઇમરજન્સી ઉભી થાય તો શાળા સુધી ૧૦૮ જેવી ઇમરજન્સી સેવા પણ બાળકોને મળી શકે તેમ નથી.
શાળાનાં આચાર્ય બચુભાઇ ફુલજીભાઇ ગામીતે જણાવ્યું હતું કે, ચીમેર પ્રાથમિક શાળા કોઇ દાતાએ શાળા માટે જમીન ફાળવતા વર્ષ ૨૦૦૭માં શરૂ કરાઈ હતી. પંચાયત માર્ગ મકાન વિભાગે નવા ઓરડા પણ બનાવી આપ્યા છે પણ શાળામાં બાળકો કે વાહનો આવી શકે તે માટેનો કોઇ રસ્તો નથી. આ શાળામાં હાલ ધોરણ ૧ થી ૫ના ૮૧ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ હાલમાં બાળકોને ખેતરોમાંથી પસાર થઈને શાળામાં જવું પડે છે. ફક્ત એક ફુટ પહોળો રસ્તો ખેતરમાંથી આપવામાં આવે છે કે જેથી બાળકોને ચોમાસામાં મુશ્કેલી ન પડે. ગ્રામ પંચાયત કે સરકારી તંત્રે પણ ધ્યાન આપ્યું નથી. તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે.
ચોમાસામાં કાદવ કીચડમાંથી પસાર થઇને શાળામાં જવું પડતું હોવાથી વિદ્યાર્થીઓ શાળાએ જવાનું ટાળતાં અભ્યાસ બગડે છે. શાળા સુધીનો પાકો રસ્તો બનાવવા છેલ્લા ઘણાં વર્ષોથી રજૂઆત કરવામાં આવતી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. ચૂંટણી પહેલા ગ્રામ પંચાયતની હદમાં આવતા ગામડામાં નાણાપંચ સહિતની ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના ખર્ચે કાચા પાકા અનેક રસ્તાઓ બનાવાય છે. પરંતુ આ રસ્તાની જરૂરિયાત પ્રાથમિક શાળામાં છે, તે રસ્તો જ બનતો નથી. ડીડીઓ આ બાબતે ધ્યાન આપી પ્રાથમિક શાળામાં જવા માટેની ગ્રામ પંચાયતને સૂચના આપી તત્કાલ કામગીરી કરાવે તે જરૂરી બન્યું છે.
રસ્તો ન હોવા છતાં શાળા બાંધવાની મંજૂરી કેવી રીતે મળી?
કોઇ પણ રેસીડેંસીયલ કે કોમર્શિયલ બાંધકામ કરતા પહેલા રસ્તો જોવામાં આવે છે ત્યાર બાદ જ બાંધકામને મંજૂરી આપવામાં આવે છે, ત્યારે આ શાળામાં કોઇ રસ્તો જ નથી પછી શાળા બાંધવાની મંજૂરી અપાઇ કેવી રીતે? મોટો સવાલ તંત્રની કાર્યપદ્ધતિ સામે જ ઉઠ્યો છે.
તાપીના શિક્ષણાધિકારી ચીમેરની શાળાના રસ્તા વિશે અજાણ
ચીમેર પ્રાથમિક શાળામાં જવા માટેનો રસ્તો નથી. તે બાબત મારા ધ્યાને નથી, હું તપાસ કરાવી લઉ છું. જો રસ્તો નહીં હોય તો આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે.- જયેશ ચૌધરી, પ્રાથમિક શિક્ષણાધિકારી, તાપી