તા.૨૬ ડિસેમ્બર ૨૦૨૦ના ‘ગુજરાતમિત્ર’ના તંત્રીલેખવાળા પાના ઉપર શ્રી દિલીપસિંહ ક્ષત્રિય દ્વારા તેમની કટાર ‘ ગુજરાત ૩૬૦ ‘ અંતર્ગત જે માહિતી આપવામાં આવી છે તે દરેકને વિચારતા કરી મૂકે એવી છે. તેમણે સાચું જ જણાવ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાની મુશ્કેલીઓમાં ઘટાડો થવાની વાત તો બાજુએ રહી, તેમની તકલીફોમાં વધારો થયો છે અને છતાં આખા દેશમાં જ્યાં પણ ચૂંટણી યોજાય છે ત્યાં મોદી અને તેમના પક્ષની બોલબાલા રહે છે.
બીજી રીતે કહીએ તો પ્રજા મોદીના નામે તેમના પક્ષના ઉમેદવારોને મત આપી આવે છે. તેમણે સાચું જ કહ્યું છે કે ‘ સરકાર બધું જ સામાન્ય હોવાનો દેખાવ કરી રહી છે એ જોતાં તો એટલું જ લાગે છે કે ભારતનું રાજકારણ હવે પલટાયું છે, જેમાં ખેડૂત અને મધ્યમ વર્ગીય લોકોના મુદ્દા મહત્ત્વના નથી, નેતા મહત્ત્વના છે ‘ .
હજુ પણ ઊંડે ઊંડે પ્રજાને એવી આશા છે કે જો મોદી વડા પ્રધાન હશે તો ક્યારેક તેમની પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા રહેલી છે. ક્ષત્રિય સાહેબની વાત વિચારવા જેવી છે.
સુરત – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.