સુરતના આ ગામમાં વેચાય છે ખુલ્લેઆમ ગાંજો, SOG માર્યો છાપો

પલસાણા: સુરત (Surat) ગ્રામ્ય એસઓજીની (SOG) ટીમને બાતમી મળી હતી કે, વરેલી (Vareli) ગામે એક ઇસમ ગાંજાનો (Cannabis) મોટો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમે સ્થળ પર જઇ રેડ (raid) કરતાં એકને ૯૫ હજારના ગાંજા સાથે ઝડપી પાડી અન્ય એકને વોન્ટેડ (wanted) જાહેર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના (Palsana) વરેલી ગામે મોટી સંખ્યામાં પરપ્રાંતિય પરિવારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં વર્ષોથી ગાંજાનો મોટો કારોબાર ફૂલ્યોફાલ્યો છે. ત્યારે રવિવારે સુરત ગ્રામ્ય એસઓજીની ટીમ કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ વેળા તેમને બાતમી મળી હતી કે, પલસાણાના વરેલી ગામે ઐશ્વર્યા મિલ તરફ જતા રોડ પર આવેલી જમણી તરફ ગલ્લાની પાસે રામ ટ્રાવેલ્સ લખેલા બોર્ડની નીચે ખુલ્લી જગ્યામાં પટેલનગર પાસે એક ઇસમ ગાંજાનો મોટો જથ્થો લઇ આવી છૂટકમાં વેચાણ કરી રહ્યો છે.

આથી સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે રેઇડ કરતાં ૯.૫૫૦ કિ.ગ્રા. ગાંજો કિં.રૂ.૯૫૫૫૦, મોબાઇલ-૧ કિં.રૂ,૩૦૦૦, રોકડ રૂ.૭૨૦ મળી કુલ ૯૯,૨૨૦નો મુદ્દામાલ મળ્યો હતો. એ સાથે સાજનસિંહ ભગવતી શરણસિંહ ઠાકુર (રહે., હાલ મનમંદિર એપાર્ટમેન્ટ, ગંભીરભાઇની રૂમમાં, વલ્લભનગ૨, વરેલી, મૂળ રહે., છાનીકલા, પો-કલરહી, યુપી)ને પોલીસે ઝડપી પાડી પવન (રહે.,જલારામ સોસાયટી, વરેલી)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

રેલ્વે સ્ટેશનની પાર્કિંગમાંથી 6 કિલો ગાંજા સાથે બે સગા ભાઇ પકડાયા
સુરતઃ મહિધરપુરા પોલીસે બાતમીના આધારે સુરત રેલ્વે સ્ટેશનની પાર્કિંગમાંથી બે સગા ભાઈઓને 1.16 લાખની કિમતના 6.161 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતાં. પોલીસે ઓડિશાથી ગાંજો મોકલાવનારને વોન્ટેડે જાહેર કરી આ અંગે વધારે તપાસ હાથ ધરી હતી.

પોલીસે બંને ભાઈઓ પાસેથી 1.16 લાખનો મુદ્દામાલ કબજે કરી ઓડિસાથી ગાંજો મોકલાવનારને વોન્ટેડ જાહેર કર્યો
મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે રેલ્વે સ્ટેશન પર બે જણા ગાંજો લઈને આવી રહ્યાં છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. રેલવે સ્ટેશનના પાર્કિંગ પાસેથી પ્રકાશ પુનિયા પ્રધાન (ઉ.વ. 22) અને ડમરૂ પુનિયા પ્રધાન (ઉ.વ. 27 બંને રહે. રાકેશભાઇના ખાતામાં, કતારગામ જીઆઇડીસી અને મૂળ. બિલ્લીપોડા, તા. ફાસી, જિ. ગંજામ, ઓડિસા) ને ઝડપી પાડ્યા હતાં. બંને સગા ભાઈઓ પાસેથી 61 હજારની કિમતનો 6.161 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, બે મોબાઇલ ફોન અને પલસર બાઇક મળી કુલ 1,16,550 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. બંને ભાઈઓએ ગાંજાનો જથ્થો ઓડિશા ખાતેથી ચંદન કુંભકર્ણ રાઉત (રહે. બાડાખેરાખામ, બેગુનાપોડા, જિ. ગંજામ, ઓડિશા) એ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પ્રકાશ અને ડમરૂ વિરૂદ્ધ એનપીએસનો ગુનો દાખલ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top